વડોદરાના કમાટી બાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરી બગીચાના કર્મચારીઓના દેખાવો
Vadodara Kamati Baug Protest : વડોદરા કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ખાતે આજે બાગમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની લડતના બીજા દિવસે કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવવાની સાથે સાથે સૂત્રોચાર કરી દેખાવો યોજ્યા હતા. કમાટી બાગમાં આ કર્મચારીઓ કચરાની ગાડી અને ડસ્ટબીન તેમજ હાથમાં ઝાડુ લઈ સફાઈ કરતા કરતા સૂત્રોચાર સાથે નીકળ્યા હતા અને શોષણ બંધ કરવા તેમજ માગણી સંતોષવા માગ કરી હતી. જોકે તારીખ 26 એ વડાપ્રધાન વડોદરા આવી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને લડતની રણનીતિ ત્યારબાદ નક્કી કરવામાં આવશે.
ગઈકાલે પોતાની માગણીઓ સંદર્ભે દેખાવો કરી કામગીરીથી અલિપ્ત રહી હડતાલ પાડી હતી. બાગમાં આવતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી ગાંધીગીરી કરી હતી. બગીચાઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અને આઉટસોર્સિંગથી કર્મચારીઓ લાવવાની વિચારણા શરૂ થઈ છે, તે સામે વિરોધ દર્શાવ્યો છે. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિએ જણાવ્યું છે કે અગાઉ 1,200 સફાઈ સેવકોને જે રીતે ન્યાય અપાયો છે, તે રીતે બગીચાઓમાં છેલ્લા 15 વર્ષથી કામ કરતા કર્મચારીઓને ન્યાય મળવો જોઈએ. માનવ દિન મજુર તરીકે 720 દિવસ પૂરા કરનાર લોકોને રોજમદાર ગણીને ન્યાય અપાયો છે એ પ્રમાણે બાગના કર્મચારીઓને પણ માનવ દિન માંથી રોજમદાર તરીકે પરિવર્તિત કરવા માંગ કરી હતી. છેલ્લા 15 વર્ષથી બગીચાઓમાં 140 કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે.