Get The App

વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી

કાલુપુર સ્વામીનારાયણ ગાદીના ભાવી આચાર્ય છે વજેન્દ્ર પાંડે

બાલીમાં હનીમુન દરમિયાન જમવામાં દવા આપીને બેભાન કર્યા બાદ વજેન્દ્ર પાંડેની પત્ની અન્ય સ્ત્રીઓને રૂમમાં બોલાવતી હોવાનો આક્ષેપ

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી 1 - image

અમદાવાદ,રવિવાર

કાલુપુર સ્વામીનારાયણ ગાંદી સંસ્થાનના ભાવી આચાર્ય વજેન્દ્ર પાંડે ઉર્ફે લાલજી મહારાજે ઘાટલોડીયા પોલીસ મથકે ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.  મેમનગરમાં આવેલા સ્વામીનારાયણ બાગમાં રહેતા વજેન્દ્ર પાંડેએ તેમની પત્ની અવંતિકા શુક્લા પર ગંભીર આરોપ લગાવ્યો છે કે લગ્ન બાદ બાલી ખાતે હનીમુન દરમિયાન તે ખાવામાં ઉંઘની દવા આપીને બેહોશ કર્યા બાદ રૂમમાં અન્ય સ્ત્રીને બોલાવીને તેની સાથે સંબધ બાંધતી હતી. એટલું જ નહી તેના મોબાઇલમાંથી કેટલાંક વાંધાજનક ચેટ પણ મળી હતી. આ બાબતને લઇને બંને પક્ષે પારિવારિક વિવાદ થતા અવંતિકાના પરિવારજનોએ વજેન્દ્ર પાંડેના પરિવારને બદનામ કરવાનું કહીને સમાધાન માટે ૧૦૦ કરોડની માતબર રકમની માંગણી કરી હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરાયો છે. આ સમગ્ર મામલે ઘાટલોડીયા પોલીસે  તમામ પાસાઓ અને પુરાવાઓને આધારે તપાસ શરૂ કરી છે.


વજેન્દ્ર પાંડેએ તેની પત્ની સમલેંગિક હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી 2 - imageમેમનગરમાં આવેલા સ્વામીનારાયણ બાગમાં રહેતા અને કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદ પાંડેએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે  તે હાલ તેમના દાદા તેજેન્દ્રપ્રસાદ , દાદી વિરાજકુમારી, પિતા કૌશેલ્દ્રપ્રસાદ, માતા સુનિતાબેન સાથે રહે છે.  તેજેન્દ્રપ્રસાદજી નિયમિત રીતે બપોર સુધી નારણપુરામાં આવેલા સ્વામીનારાયણ મ્યુઝીયમ પર બેસતા હોવાથી તેમને શશીકાંત તિવારી (રહે. પાલડી) નામનો વ્યક્તિ મળવા માટે આવતો હતો. તેણે વિશ્વાસ કેળવીને તેજેન્દ્ર પ્રસાદને  કાલુપુર ગાદીના ભાવી આચાર્ય વજેન્દ્ર પ્રસાદના લગ્ન કરવા માટે પ્રયાગરાજમાં રહેતા અજય શંકર શુક્લાની પુત્રી અવંતિકા નામનો પ્રસ્તાવ મુક્યો હતો.  જેથી ફેબુ્રઆરી ૨૦૨૪માં શશીકાંત તિવારી અજય શંકર અને તેમની પુત્રી અવંતિકા તેમજ પરિવારના  અન્ય સભ્યોનો લઇને સ્વામીનારાયણ બાગ ખાતે મળવા માટે આવ્યા હતા. જ્યાં પ્રાથમિક વાતચીત બાદ વજેન્દ્ર પ્રસાદે લગ્ન માટે હા કહી હતી. પરંતુ,  થોડા સમય બાદ અવંતિકાના પરિવારજનો દ્વારા લગ્ન જલ્દી થાય તે માટે સતત દબાણ કરવામાં આવતુ હતું. જેથી વજેન્દ્ર પ્રસાદને શંકા ઉપજી હતી. પરંતુ, સામાજિક પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને ૨૫મી એપ્રિલ ૨૦૨૪ના રોજ પ્રયાગરાજ ખાતે સગાઇ કરી કરી હતી.

તેના ત્રણ મહિના બાદ ૨૫મી જુલાઇએ પ્રયાગરાજ ખાતે લગ્ન થયા હતા. લગ્ન બાદ ૨૭મી જુલાઇથી ૬ ઓગસ્ટ સુધી વજેન્દ્રપ્રસાદ અને અવંતિકા હનીમુન માટે બાલી ઇન્ડોનેશીયા ગયા હતા. જ્યાં પ્રથમ દિવસે જ સાંજ જમ્યા બાદ વજેન્દ્રપ્રસાદને ઘેન ચઢવા લાગ્યુ હતુ અને તે સુઇ ગયા હતા અને બીજા દિવસે બપોરે બાર વાગે ઉઠયા હતા. આ સમયે તેમની તબિયત નાદુરસ્ત થઇ હતી અને માથુ દુખતુ હતું. બીજા દિવસે સાંજે ફરીથી જમીને ઉંઘ આવી ગઇ હતી. આ દરમિયાન હોટલનો રૂમ અપગ્રેડ થતા સામાન ફેરવતા સમયે અવંતિકાની બેગમાંથી એક સફેદ પાવડરની પડીકી મળી હતી.

જે અંગે પુછતા તેણે જણાવ્યું હતું કે આ આર્યુવેદિક દવા છે. નવા રૂમની બાલ્કનીમાં વજેન્દ્રપ્રસાદ ફોન પર વાત કરતા હતા ત્યારે સાંજે જોયુ તો અવંતિકા સુપમાં સફેદ પાવડર ઉમેરતી હતી. જેથી તેમણે સુપ પીવાના બહાને નજર ચુકવીને બહાર ઢોળી દીધો હતો અને ઉંઘવાનો ડોળ કર્યો હતો. આ સમયે તેમણે જે દ્રશ્ય જોયુ તો જોઇને ચોંકી ગયા હતા. કારણ કે  અવંતિકા અન્ય સ્ત્રી સાથે વાંધાજનક સ્થિતિમાં હતી. પરંતુ, આઘાત લાગતા આ વાતની જાણ કોઇને કરી નહોતી. 

લગ્ન બાદ અવંતિકાએ તેના ભાઇના અભ્યાસ માટે સાડા ત્રણ લાખ રૂપિયા માંગ્યા હતા. બાદમાં તબક્કાવાર કુલ ૧૧ લાખ રૂપિયા લીધા હતા.  ૨૦ ઓક્ટોબર ૨૦૨૪થી ૨૪ ઓક્ટોબર દરમિયાન વજેન્દ્રપ્રસાદ અને અવંતિકા દુબઇ ગયા હતા. આ સમયે અવંતિકા રૂમમાં જમવાનું મંગાવવાનો આગ્રહ કરતી હતી. પરંતુ, તે હોટલના રેસ્ટોરન્ટમાં જમવાનું નક્કી કર્યું હતું. હોટલમાં તે સ્ત્રીઓને અલગ નજરે જોતી હતી. જેથી વજેન્દ્ર પ્રસાદે ટોકતા અવંતિકાએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેને પુરૂષોમાં નહી પણ સ્ત્રીઓમાં રસ છે.  દુબઇથી પરત આવ્યા બાદ તક મળતા વજેન્દ્રપ્રસાદે અવંતિકાનો જુનો ફોન તપાસતા તે ચોંકી ઉઠયા હતા. કારણ કે સોશિયલ મિડીયા એકાઉન્ટમાં કેટલાંક મેસેજ જોયા હતા. જેમાં તેણે તેની સ્ત્રી મિત્ર સાથે મળીને પરિવારની પ્રતિષ્ઠાને હાની પહોંચાડીને ૧૦૦ કરોડ રૂપિયા લઇને ભાગી જવાની યોજના બનવી હતી. જે સ્ક્રીન શોટ પુરાવા રૂપે લીધા બાદ વજેન્દ્રપ્રસાદે અવંતિકાના પિતા , માતા ભાઇ તેમજ પરિવારના લોકોને આ બાબતે સ્પષ્ટતા કરવા માટે બોલાવ્યા હતા અને આ મામલે તકરાર થતા તે  અવંતિકાને સાથે લઇ ગયા હતા.  આ સમયે તેમણે વજેન્દ્ર પ્રસાદ અને તેના પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. 

આ બનાવના થોડા મહિના બાદ અવંતિકાના પિતા અને અન્ય કુંટુબી મળવા માટે આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અવંતિકાએ આ કૃત્ય બાળ બુદ્ધિમાં કર્યું છે. જેથી સમાધાન કરીને તેને ફરીથી રાખવા માટે કહ્યું હતું. પરંતુ, વજેન્દ્રપ્રસાદના પરિવારજનોએ આ પ્રસ્તાવનો વિરોધ કરતા અવંતિકાના પિતા અને અન્ય કુંટુબીજનોએ ધમકી આપી હતી કે શાંતીથી જીવન પસાર કરવું હોય તો ૧૦૦ કરોડ તૈયાર રાખજો. આ સમગ્ર મામલે ઘાટલોડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પુરાવાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

Tags :