વડોદરાઃ અકોટા બ્રિજ પર દોઢ વર્ષ પહેલાં બેફામ કાર હંકારી સ્કૂટરોને અડફેટમાં લઇ યુવકનું મોત અને બે યુવતીને ગંભીર ઇજાઓ પહોંચાડવાના બનાવમાં પકડાયેલા કલ્પ પંડયા અને તેની ફ્રેન્ડ સૃષ્ટિ સામે વધુ એક ગુનો નોંધાયો છે.
ગઇ તા.૧૯-૪-૨૪ના રોજ અકોટા બ્રિજ પર એક કારચાલકે સ્કૂટરોને અડફેટમાં લેતાં આકાશ ચોમલ નું મોત નીપજ્યું હતું.જ્યારે, આસ્થા પરીખ અને પ્રિતી શર્માને ઇજા થઇ હતી.આ અંગે અકોટા પોલીસે બેદરકારી પૂર્વક કાર ચલાવી મોત નીપજાવવા બદલ તેમજ દારૃની બોટલ મળતાં દારૃના અલગ અલગ ગુના નોંધ્યા હતા.
પોલીસે કારમાંથી પ્લાસ્ટિકના પાઉચ અને આનંદ મુનક્કા નામના પ્લાસ્ટિકના પેકિંગ કબજે કર્યા હતા.જેમાં ભૂખરા અને લીલાશ પડતો પદાર્થ હતો.આ પદાર્થને પરિક્ષણ માટે ફોરેન્સિકમાં મોકલવાામાં આવ્યો હતો.
જેમાં પદાર્થ ગાંજો હોવાનું ખૂલતાં ૧૨૭ ગ્રામ ગાંજો રાખવા બદલ અકોટા પોલીસે કલ્પ કનક પંડયા(સાંઇ હાઇટ્સ, મકરપુરા એસઆરપી ગુ્રપ ૯ સામે,મૂળ વાડી ભાટવાડા) અને સૃષ્ટિ સંકેતભાઇ દેસાઇ(બાલાજી દર્શન ફ્લેટ્સ,વાઘેશ્વરી સોસાયટી પાસે,કારેલી બાગ)સામે નારકોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


