Get The App

કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે 18 કલાકમાં ઉકેલ્યો ભેદ

Updated: Oct 22nd, 2025

GS TEAM

Google News
Google News
કલોલમાં સંતાન પ્રાપ્તિની લાલચમાં 6 માસના બાળકનું અપહરણ, પોલીસે 18 કલાકમાં ઉકેલ્યો ભેદ 1 - image


Gandhinagar Crime News: ગાંધીનગર જિલ્લાના કલોલ નજીક છત્રાલ રોડ પર પાનોટ ગામની સીમમાં રહેતા એક પરિવારના માત્ર 6 માસના બાળક શાહરુખનું દિવાળીના તહેવાર દરમિયાન ખરીદી કરીને પરત ફરતી વખતે અપહરણ થયાની ચકચારી ઘટના સામે આવી હતી. જોકે ગાંધીનગર પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણનો ભેદ ઉકેલી અજાણી મહિલાના ચંગૂલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કલાબહેન મીર તેમના પરિવાર સાથે કલોલ ફરવા ગયા હતા અને બપોરે આશરે 2.30 વાગ્યાના અરસામાં છત્રાલ બ્રિજ નજીક લસ્સીની લારી પાસે બેઠા હતા. કલાબહેન બામ લેવા મેડિકલ સ્ટોર તરફ ગયા હતા. આ દરમિયાન લીલા કલરની સાડી પહેરેલી એક અજાણી સ્ત્રી તેમના 6 માસના પુત્ર શાહરુખને લઈને છત્રાલ બ્રિજ તરફ જતી રહી હતી. કલાબહેન પરત આવતાં બાળક ન મળતાં અપહરણની જાણ થઈ હતી.

ફરિયાદ ના આધારે કલોલ તાલુકા પોલીસ, LCB, SOG અને સાયબર સર્વેલન્સની ટીમો તાત્કાલિક કામે લાગી હતી. પોલીસે CCTV ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરુ કરી હતી. ફૂટેજમાં દેખાતી મહિલા અગાઉ છત્રાલની ગેલેક્સી સોસાયટીમાં રહેતી અને તેનું નામ મધીબહેન નાયક હોવાની માહિતી મળી હતી.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે સતત 18 કલાકની જહેમત બાદ આરોપી મધીબહેન નાયક(ઉ.વ. 40)ને મેડા આદરજ ખાતેથી ઝડપી પાડી હતી અને અપહૃત બાળક શાહરુખનો હેમખેમ છુટકારો કરાવ્યો હતો.

પોલીસ પૂછપરછમાં આરોપી મધીબહેન નાયકે કબૂલાત કરી કે, તેમને સંતાન ન હોવાથી સંતાન પ્રાપ્તિની લાલસામાં તેમણે આ કૃત્ય આચર્યું હતું. પોલીસે મધીબહેન નાયકને પકડી પાડી બાળકને તેના માતા-પિતા કલાબહેન મીરને સુરક્ષિત રીતે સોંપી દીધો હતો. પોતાના બાળકને હેમખેમ પરત મળતાં પરિવારજનોએ ગાંધીનગર પોલીસની સરાહનીય કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Tags :