Get The App

કલોલ પંથકમાં અરેરાટી: બિઝનેસમેને બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, બેના મૃતદેહ મળ્યા

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
કલોલ પંથકમાં અરેરાટી: બિઝનેસમેને બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, બેના મૃતદેહ મળ્યા 1 - image



Kalol News:  ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદકો લગાવી સામૂહિક આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ દુઃખદ ઘટનામાં બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પિતાની શોધખોળ હજુ ચાલુ છે. આ ઘટનાને પગલે સમગ્ર રબારી સમાજ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી વિગતો અનુસાર કલોલના બોરીસણ ગામમાં રહેતા અને પેટ્રોલ પંપના માલિક ધીરજભાઇ ભલાભાઇ રબારી શુક્રવારે સવારે ઘરેથી આધાર કાર્ડ કઢાવવા જવાનું બહાનું કાઢીને પોતાની બે દીકરીઓ સાથે નીકળ્યા હતા. જોકે ધીરજભાઇ મોડી સાંજ સુધી દીકરીઓ સાથે ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પરિવારે તાત્કાલિક સાંતેજ પોલીસ મથકે સંપર્ક સાધી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદના આધારે સાંતેજ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલ પંપ માલિક અને તેમની બે દીકરીઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આજે શનિવારે સવારે કલોલ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બંને માસૂમ બાળકીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે તાત્કાલિક બંને બાળકીઓના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધીરજભાઇ રબારીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી, અને તેમની શોધખોળ માટે કેનાલમાં તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ગાડીનું લોકેશન અને મોબાઇલનો પાસવર્ડ પરિવારને મોકલ્યો

આ અંગે સાંતેજ પોલીસના જણાવ્યા અનુસાર ધીરજભાઇ રબારી બોરીસણ ગામના વતની છે અને સુખી સંપન્ન પરિવારમાં આવે છે. ધીરજભાઇ શુક્રવારે સવારે (7 નવેમ્બર) બે દિકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઇને નીકળ્યા હતા. મોડી સુધી પરત ન ફરતાં ધીરજભાઇએ પોતાના પરિવારજનોને ગાડીનું લોકેશન અને મોબાઇલનો પાસવર્ડ મોકલ્યો હતો. લોકેશનના આધારે ધીરજભાઇની ગાડી શેરીસા નર્મદા કેનાલ પાસે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોડે સુધી કેનાલમાં શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ ત્રણેયમાંથી કોઇનો મૃતદેહ મળી આવ્યો હતો. આજે વહેલી સવારે બે દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ધીરજભાઇનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. 


Tags :