Uproar in Kalol: પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા રૂટિન ચેકિંગ દરમિયાન એક હાઈ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે રસ્તા પર જ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
કાલોલ પોલીસ દ્વારા હાલમાં વાહનોના કાચ પર લાગેલી ગેરકાયદેસર બ્લેક ફિલ્મ દૂર કરવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન પોલીસે એક કાળા કાચવાળી કારને ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે પોલીસ સામે અભદ્ર ઈશારા કર્યા હતા અને કાર હંકારી મૂકી હતી.
પોલીસે તુરંત આ કારનો પીછો કરી તેને અટકાવી હતી. કાર થોભતા જ તેમાં સવાર વ્યક્તિઓએ પોતે કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા જ્યોત્સનાબેન બેલદારના પરિવારજન હોવાનો રોફ ઝાડવાનું શરૂ કર્યું હતું.
પોલીસે અર્જુન સિંહ નામના વ્યક્તિની કારને ચેકિંગ માટે અટકાવી હતી. અર્જુન સિંહનો આરોપ છે કે પોલીસે માત્ર તેની કારને જ કેમ ટાર્ગેટ કરી અને અન્ય વાહનોને કેમ જવા દીધા. આ દરમિયાન જ્યોત્સના બેલદાર પણ ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
ભાજપના નેતા અને તેમના ટેકેદારોએ પોલીસ પર દાદાગીરી અને મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો. પરિવારે દાવો કર્યો હતો કે તેમની કારમાં બીમાર છોકરી છે અને તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે, જેના મેડિકલ રિપોર્ટ્સ પણ તેમણે પોલીસને બતાવ્યા હતા. રસ્તા પરની તકરાર બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં સુમનબેન પોલીસકર્મીઓ પર ગુસ્સે થતા જોવા મળ્યા હતા. વીડિયોમાં પોલીસને પડકાર ફેંકી રહ્યા છે કે જો કંઈ પણ ખોટું થયું હોય તો CCTV ફૂટેજ ચેક કરવામાં આવે.
પોલીસ મથકે પણ મચાવ્યો હોબાળો
જ્યારે પોલીસે નિયમ મુજબ મેમો આપવાની કાર્યવાહી શરૂ કરી, ત્યારે પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસને જોઈ લેવાની ધમકીઓ આપી હતી. મામલો ઉગ્ર બનતા તમામને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
પોલીસની કડક કાર્યવાહી
આ સમગ્ર મામલે કાલોલ પોલીસે કાયદાનું ભાન કરાવતા કડક વલણ અપનાવ્યું છે. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને તેમના પરિવારના કુલ 5 સભ્યો વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને હુમલાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે અત્યાર સુધીમાં આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.


