Gujarat

કલાધામમાં કલાત્મક ફ્લોટ્સ સાથે નીકળી કલાયાત્રા

By GS TEAM
9 Oct 20252 mins read
કલાધામમાં કલાત્મક ફ્લોટ્સ સાથે નીકળી કલાયાત્રા

- મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં યુવાઓનું ગુંજન

- 33 માં 'ભાવ ગુંજન' આંતર કોલેજના યુવક મહોત્સવની કલા યાત્રામાં સ્વદેશી, ઓપરેશન સિંદૂર, ભાતીગળ મેળો, લોકલ ફોર વોકલ, અને સંસ્કૃતિ બચાવોની થીમે આકર્ષણ જમાવ્યું

ભાવનગર : કલાનગરી ભાવનગરમાં યુનિવર્સિટીનો યુવક મહોત્સવ યોજાતો હોય ત્યારે જિલ્લાની તમામ કોલેજોના યુવાઓની સાથે જાહેર જનતામાં પણ આકર્ષણ સાથે જોવાની ઉત્સુક્તા હોય છે. આજે કલાત્મક ફ્લોટ્સ સાથે રંગારંગ કલાયાત્રા નીકળી હતી. યુનિ.ના આ ૩૩મા ભાવ ગુંજન યુવક મહોત્સવની પ્રથમ કૃતિમાં સ્વદેશી, ઓપરેશન સિંદૂર, ભાતિગળ મેળો, રાસ ગરબા, લોકલ ફોર વોકલ સહિતની વિવિધ થીમ સાથે જિલ્લાની ૧૬ સંસ્થાઓના ૫૫૦થી વધુ વિદ્યાર્થીઓએ સુંદર પ્રદર્શન કર્યું હતું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શા.શિ. વિભાગ દ્વારા આજે કલાયાત્રા અને કાલે તા.૯ના રોજ ઉદ્દઘાટન સમારોહ સાથે ૩૩મો ભાવ ગુંજન આંતર કોલેજ યુવક મહોત્સવનો પ્રારંભ થશે. આજે શામળદાસ આર્ટસ કોલેજ ગ્રાઉન્ડથી સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના યજમાન પદે કલાયાત્રાનું પ્રથમ પર્ફોમન્સ થયું હતું. કલાયાતારામાં કુલપતિના અધ્યક્ષ સ્થાને ઇ.સી. બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કુલપતિએ સ્પર્ધકોને શુભેચ્છા આપી તેમનામાં રહેલ પ્રતિભાને પ્રદર્શિત કરવાનો અવસર ગણાવ્યો હતો. કલા યાત્રામાં વિવિધ ૧૬ સંસ્થા-કોલેજોના ૫૫૦થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આધુનિક સમાજમાં પડતા વિવિધ પડકારોને ધ્યાને લઇ વિવિધ સંસ્થાઓના છાત્રોએ ઓપરેશન સિંદૂર, રાસ ગરબા, સ્વદેશી, વોકલ ફોર લોકલ, એકતાથી આત્મનિર્ભરતા, રંગ મેળો, નદી બચાવો, સંસ્કૃતિ સજાવો વગેરે વિવિધ વિષયો સાથે આકર્ષક ફલોટ્સ બનાવી કૃતિઓ રજૂ કરી હતી. જે કલાયાત્રા સેન્ટ્રલ સોલ્ટ, ગુલીસ્તા મેદાન, આતાભાઇ ચોક, રૂપાણી થઇ સરદારનગર પહોંચી હતી. શહેરીજનો અને કલાપ્રેમીઓએ આ કલાયાત્રા માણી હતી. જે.કે. સરવૈયા ગૃપ કોલેજીસ ખાતે આ કલાયાત્રાનું સમાપન થયું હતું. જ્યારે આવતીકાલે યુનિવર્સિટીના એમ્ફી થીયેટર ખાતે સવારે ૧૦ કલાકે આ રંગારંગ યુવક મહોત્સવનો ઉદ્દઘાટન સમારોહ યોજાશએ અને કાલથી સતત ત્રણ દિવસ વિવિધ પાંચ રંગમંચ પર વિવિધ ૨૭ તંદુરસ્ત સ્પર્ધાઓ કોલેજયનો અને ભાવેણાવાસીઓ માટે ખુલ્લી મુકાશે.