VIDEO: પરિવાર રાજી ન હોવાથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે: પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કાજલ મહેરિયાની પ્રથમ પ્રતિક્રિયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image From Instagram |
Kajal maheriya controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા હાલ તેના ગીતોના કારણે નહીં, પરંતુ તેના અંગત જીવનમાં સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પરિવારની મરજી વિરુદ્ધ અલ્પેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા આ વિવાદ હવે પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે.
શું છે સમગ્ર વિવાદ?
કાજલ મહેરિયાએ ગત 10 ઓક્ટોબર, 2025 ના રોજ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હોવાનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. આ લગ્નની જાણ થતાં જ મહેરિયા પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મહેરિયા પરિવાર અને સમાજના અંદાજે 70 જેટલા લોકો કાજલને પરત લેવા માટે તેની સાસરી શેરથા પહોંચ્યા હતા. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કાજલની માતાનો આક્ષેપ છે કે સામે પક્ષે તેમને ઉશ્કેરીને ત્યાંથી કાઢી મૂક્યા હતા.
માતા શારદાબેન મહેરિયાના આક્ષેપો
સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને કાજલની માતા શારદાબેન મહેરિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે, છોકરાનો પરિવાર પૈસા માટે આખી ગેમ રમી રહ્યો છે. અમે દીકરીને લેવા ગયા તો અમને અપમાનિત કરીને કાઢી મૂક્યા. સમાજ અને અઢારે આલમને વિનંતી છે કે અમને આ મામલે રસ્તો કાઢી આપે.
પોતાની મરજીથી જ લગ્ન કર્યા છે
કાજલ મહેરિયાનો વળતો જવાબ આપતા કહ્યું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે. લગ્નના વધતા વિવાદ વચ્ચે આજે 21 એપ્રિલના રોજ કાજલ મહેરિયાએ મૌન તોડ્યું છે. તેણે વીડિયોના માધ્યમથી સ્પષ્ટતા કરી કે, તેણે કોઈ પણ દબાણ કે ધાક-ધમકી વગર, પૂરી સ્વસ્થ અવસ્થામાં ભારતીય સંવિધાન મુજબ લગ્ન કર્યા છે. અલ્પેશ સાથે તેનો છેલ્લા દોઢ વર્ષથી સંબંધ હતો. પરિવારને જાણ કરી હતી, પણ મંજૂરી ન મળતા આ નિર્ણય લીધો. ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા કાજલે સ્પષ્ટ કર્યું કે તે સનાતન ધર્મમાં માને છે અને ધર્મ પરિવર્તન કરવા માંગતી નથી. કાજલે આક્ષેપ કર્યો કે તેને અને તેના સાસરિયાઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
કાયદેસરની કાર્યવાહીની ચેતવણી
કાજલ મહેરિયાએ વીડિયોના અંતમાં કડક શબ્દોમાં જણાવ્યું છે કે, હવે તે કોઈની વાહિયાત વાતોનો જવાબ નહીં આપે. જો તેને કે તેના પરિવારને હેરાન કરવામાં આવશે અથવા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ થશે, તો તે ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરશે.
આગામી કાર્યક્રમો પર નજર
વિવાદો વચ્ચે પણ કાજલ મહેરિયાના પ્રોફેશનલ કાર્યક્રમો યથાવત છે. ચાર દિવસ પછી તે મહેસાણાના વિજાપુર ખાતે કાજલનો પ્રોગ્રામ યોજાનાર છે. કાજલ મહેરિયા વિદેશ પ્રવાસ (ઓસ્ટ્રેલિયા) પર જવાની છે. અડાલજ પોલીસ મથકના પીઆઇ એસ.જી.દેસાઈએ પુષ્ટિ કરી છે કે પોલીસને લગ્નનું સર્ટિફિકેટ મળી ગયું છે, જે કાયદેસરની પ્રક્રિયાનો ભાગ છે. હાલ આ મામલે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેંચાયેલું જોવા મળી રહ્યું છે.








