સુરતના માંડવીમાં પત્ની હત્યા કરીને ફરાર બસ ડ્રાઇવર ગીતામંદિરથી ઝડપાયો
પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યાની શંકા હતી
હત્યા કર્યા બાદ આરોપી પતિ અમદાવાદ એસ ટી સ્ટેશન ખાતે આવીને છુપાતા કાગડાપીઠ પોલીસે ઝડપી લીધો
અમદાવાદ,શનિવાર
સુરતના માંડવીમાં પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યુ હોવાની ંશંકા રાખીને પત્નીને ગળાટુંપો આપીને હત્યા કર્યા બાદ ફરાર પતિને કાગડાપીઠ પોલીસે બાતમીના આધારે એસ ટી સ્ટેશન ગીતામંદિરથી ઝડપીને માંડવી પોલીસને હવાલે કર્યો હતો.
સુરતના માંડવીમાં રહેતા દિનેશ ડામોરને તેની પત્ની સાથે મનભેદ હોવાને કારણે અવારનવાર ઝઘડા થતા હતા. ગત ૩૦મી તારીખે રાતના સમયે તે જમવા બેઠો હતો. ત્યારે ભોજનમાં વાસ આવવાની સાથે સ્વાદમાં ફેર હોવાથી તેને શંકા ઉપજી હતી કે તેની પત્નીએ જમવામાં ઝેર ભેળવ્યું છે. જેથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ સમયે તેણે આવેશમાં આવીને સાડીથી જ ગળાફાંસો આપીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તે ઘરને તાળુ મારીને અમદાવાદમાં આવીને છુપાયો હતો.
આ અંગેની બાતમી કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ એ ગોહિલને મળતા તેમણે વોચ ગોઠવીને એસ ટી સ્ટેશન ગીતામંદિરથી દિનેશ ડામોરને ઝડપી લીધો હતો. આરોપી સુરતથી દાહોદ લાઇનમા એસ ટી બસ ચલાવતો હતો. પોલીસે આરોપી પતિને માંડવી પોલીસને હવાલે કર્યો હતો.