કડી: હોમવર્ક ન લાવતા શિક્ષકે લાફા મારી સજા કરતા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી છલાંગ લગાવી

Kadi News: કડીમાં આવેલી હોલી ફેમિલી સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. માત્ર હોમવર્ક ન લાવવા જેવી બાબતે શિક્ષકો દ્વારા ધોરણ-6 ના વિદ્યાર્થીને માર મારી ક્લાસની બહાર કાઢી મૂકતા અપમાનિત થયેલા વિદ્યાર્થીએ સ્કૂલના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો જીગ્નેશભાઈનો પુત્ર સ્કૂલમાં હોમવર્ક લઈને ગયો ન હતો. બુધવારે (19 નવેમ્બરે) શિક્ષિકાએ તેને બીજા પિરિયડમાં ચાર લાફા મારીને સજા રૂપે કલાસરૂમની બહાર બેસાડી દીધો હતો. આ બાળકને ઠંડી લાગી રહી હોવાની ફરિયાદ કરવા છતાં પાંચમા પિરિયડ સુધી બધા શિક્ષકોએ ક્લાસરૂમમાં બેસવા દીધો ન હતો.
આખરે બાળકને લાગી આવતા 10:50 વાગ્યે શાળા સંકુલના બીજામાળેથી કુદી ગયો હતો. શાળા સંચાલકને જાણ થતા તેઓ આ બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. બાળકે જણાવ્યું હતું કે બીજા પિરિયડમાં ટીચરે મને ચાર લાફા માર્યા અને ક્લાસરૂમની બહાર કાઢી મુક્યો હતો. એક પિરિયડ બાદ હું ફરી ક્લાસમાં ગયો તો બીજા ટીચરે મને કરી એક લાફો મારીને કહ્યું કે અંદર કેમ આવ્યો, આ તારા બાપના બગીચો છે? હું ક્લાસ ટીચરને પૂછવા બીજા ક્લાસરૂમમાં ગયો તો ટીચરે ધક્કો મારી બહાર કાઢી મુક્યો હતો.
પાંચમા પિરિયડ સુધી મને બહાર રાખતા મને ખોટું લાગ્યું અને હું ઉપરથી કુદી ગયો હતો. તેના પગે ઈજા થઈ હતી અને એક્સરે કરાવતા ખબર પડી કે પગમાં ફ્રેક્ચર થયું છે. આ શિક્ષકો સામે પગલાં લેવામાં આવે તેવી બાળકના પિતાએ માંગ કરી છે. બાળકના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં શાળાના શિક્ષકો આચાર્ય અને ટ્રસ્ટીઓ સામે અરજી કરી છે.
બાળક ઉપરથી પડી જતાં સારવાર માટે લઈ ગયો હતો : સંચાલક
હોલી કેમિલી સ્કૂલના શાળા સંચાલક બાબુ એસ. નાયરે જણાવ્યું કે બુધવારે સવારે એક શિક્ષકે આવીને કહ્યું કે એક બાળક ઉપરથી પડી ગયું છે. તેને હું દવાખાને સારવાર માટે લઈ ગયો હતો. આ બાળક તેની જાતે જ ઉપરથી કૂદી ગયો હતો. કોઈ શિક્ષક કે અન્ય બાળકે કોઈએ ધક્કો માર્યો નથી. બાળકને શિક્ષિકા દ્વારા ટોર્ચર કરવા અંગેના સવાલ પર આચાર્યએ કહ્યું કે શિક્ષિકાએ તેને સજારૂપે હોમવર્ક લખવા માટે બહાર બેસાડયો હતો.

