શ્રીજીની મૂર્તિ પર ઇંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગ્રુપ એડમિન જુનેદ અજમેરથી ઝડપાઇ ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાણીગેટ માંડવી રોડ પર શ્રીજીની પ્રતિમા પર ઇંડા ફેંકવાની ઘટનામાં સામેલ માફિયા ગેંગ ગુ્રપના એડમિન સહિત ત્રણ આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. તેઓને લઇને પોલીસ વડોદરા આવી રહી છે. એડમિનની પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેવી સંભાવના છે.
ગત સોમવારે મોડીરાતે અઢી થી ત્રણ વાગ્યા દરમિયાન પાણીગેટ માંડવી રોડ પર પૂર્વ આયોજિત કાવતરા મુજબ એક સગીર તથા સૂફિયાન અને શાહનવાઝે ગણેશજીની મૂર્તિ પર ઇંડા ફેંકી ધાર્મિક લાગણી દુભાવી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં સિટિ પોલીસે અત્યારસુધી કુલ છ ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ઘટનાના મુખ્ય સૂત્રધાર અને માફિયા ગેંગના નામે સોશિયલ મીડિયા પર ચાલતા ગુ્રપના એડમિન જુનેદ સિન્ધી તથા અનસ કુરેશી અને સમીર શેખ ઝડપાયા નહતા. પોલીસ તેઓને પકડવા માટે ટેકનિકલ સોર્સની મદદ લઇ રહી હતી. દરમિયાન ત્રણેય આરોપીઓ અજમેરથી ઝડપાઇ ગયા છે. જે અંગે એવી વાત ચાલી રહી છે કે, જુનેદની માતા સાદેકાબેનને સિટિ પોલીસ ગઇકાલથી પૂછપરછ માટે લાવી હતી અને તેઓનો મોબાઇલ ફોન પણ સર્વેલન્સ પર હતો. દરમિયાન જુનેદે અન્ય નંબર પરથી માતાને કોલ કરતા પોલીસને જુનેદનો નવો નંબર મળ્યો હતો. જે નંબરના લોકેશનના આધારે પોલીસે જુનેદ સહિત ત્રણને અજમેરથી ઝડપી પાડયા છે. જોકે, પોલીસ હજી આ અંગે કશું કહેવા તૈયાર નથી. આ સમગ્ર ઘટનામાં સિમિ, સ્લિપર સેલ જેવા આતંકવાદી સંગઠનની શંકા, વિદેશી સંપર્ક તેમન નાણાંકીય સહાયની શંકાઓ સેવાઇ રહી છે. જુનેદની પૂછપરછ દરમિયાન આ તમામ શક્યતાઓ અંગે સ્પષ્ટતા થશે.








