જૂનાગઢની દીકરી વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
લંડન ખાતે સંભવતઃ જુલાઈ માસમાં ટૂર્નામેન્ટ યોજાશે
દિલ્હી ખાતેની ITF એશીયન ડેવલપમેન્ટ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી વિમ્બલ્ડનમાં સ્થાન મેળવ્યું
Junagadh News | ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી લંડન ખાતે યોજાનાર પ્રતિતિ વિમ્બલ્ડનમાં જગ્યા બનાવી લીધી છે.સંભવત આગામી જુલાઇ માસમાં આ દીકરી લંડન ખાતે યોજાનાર વિમ્બલ્ડન ટેનિસ ટૂર્નામેન્ટમાં અંડર-14 કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.આ જૂનાગઢ માટે ગૌરવની બાબત છે.
મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા અને આણંદપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકભાઇ કાનાબારે પોતાના રમત-ગમત વિશે વિશેષ રૂચી હતી.તેની પુત્રી જેન્સી ચાર વર્ષની હતી ત્યારથી જ તેને ટેનિસ રમતની પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કર્યું હતું.શરૂઆતમાં જીમખાનામાં પ્રેક્ટિસ કરાવતા હતા.કોરોના બાદ દિપકભાઇએ પુત્રી જેન્સીની ટેનિસ પ્રેક્ટિસ માટે ચોબારી રોડ પર પ્રોફેશનલ ટેનિસ કોર્ટ તૈયાર કરી હતી ત્યાં રોજ 7 કલાક પ્રેક્ટીસ કરવામાં આવે છે.હાલ ધો.8 પાસ કરી ધો.9માં આવેલી જેન્સીએ ટેનિસમાં મહારત હાંસલ કરી છે.
તાજેતરમાં દિલ્હી ખાતે આઇટીએફ એશીયન ડેવલપમેન્ટની બે અંડર- 14 ટૂર્નામેન્ટમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.આ સાથે જેન્સીએ પ્રતિતિ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં પસંદગી મેળવી લીધી હતી.જેન્સીના પિતા દિપકભાઇ કાનાબારે જણાવ્યું હતું કે દિલ્હી ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં જેન્સીએ કરેલા ઉજ્જવળ દેખાવના લીધે તેને પ્રતિતિ વિમ્બલ્ડન ટૂર્નામેન્ટ રમવાની તક મળી છે.આગામી જુલાઈ માસમાં લંડન ખાતે યોજાનાર આ પ્રતિતિ ટૂર્નામેન્ટમાં જેન્સી અંડર-૧૪માં એશિયન ટેનિસ ફેડરેશન વતી ભારતનું પ્રતિનિધિત્વ કરશે.વધુમાં દિપકભાઇએ જણાવ્યું હતું કે જેન્સીએ અંડર-14માં દેશની સૌથી નાનીવયની ચેમ્પિયન બની છે.એશિયાના ટેનિસ રેન્કિંગમાં પણ અંડર-14માં જેન્સી નંબર વન પ્લેયર છે.સાનિયા મિર્ઝા પણ વિમ્બલ્ડન રમવા ગઈ હતી પરંતુ તેની વય વધુ હતું.જેન્સી સૌથી નાની વયે વિમ્બલ્ડન ટૂર્નામેન્ટમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.જે જૂનાગઢ જ નહીં પરંતુ દેશનું ગૌરવ બનશે.
રજા વગર રોજ 7 કલાકની નિયમિત પ્રેક્ટિસ
દિપકભાઇએ જણાવ્યું હતું કે જેન્સી સાડા ચાર વર્ષથી રોજ સવારે 7થી 10 અને બપોરબાદ 4થી8 નિયમીત પ્રેક્ટિસ કરે છે.પ્રેક્ટિસ પૂર્ણ કરાવી શાળાએ જઉ છું,બપોરબાદ તેના મમ્મી પ્રેક્ટિસ કરાવે છે ત્યાં સાડા પાંચ વાગ્યે હું આવી પ્રેક્ટિસ કરાવું છું.તેમાં રવિવાર સિવાય ક્યારેય રજા રાખવામાં આવતી નથી.ટેનિસ રમત ઉપરાંત ફિટનેસની પણ કાળજી રાખવામાં આવી રહી છે.