જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીના 9,000 જેટલાં બોક્સની આવક
ગરમી વધતાં કેરીની આવકમાં વધારો 10 કિલોનાં બોક્સનું 700થી 1200 રૂપિયા ભાવમાં વેંચાણ : હજુ આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના
જૂનાગઢ, : આકરી ગરમી શરૂ થતાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે. આજે જૂનાગઢ યાર્ડમાં 9,000 કેરીના બોક્સ આવ્યા હતા, જેનું 700થી 1200રૂપિયા લેખે વેંચાણ થયું હતું. હજુ આગામી દિવસોમાં આવક વધવાથી ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ હતી. શરૂઆતમાં 40 બોક્સ આવ્યા હતા ત્યારે ભાવ 1200થી 1800 હતો. બે ત્રણ દિવસ બાદ ત્રણસો બોક્સ આવ્યા હતા. 14 એપ્રિલના 4,000 બોક્સની આવક થતા ભાવ 800થી 1200 થયા હતા. હવે મે માસમાં આકરી ગરમી પડી રહી છે. ગીર તેમજ જૂનાગઢ, મેંદરડા, વિસાવદર સહિતના વિસ્તારની કેરી જૂનાગઢ યાર્ડમાં આવે છે. આજે 9,000 કરતા વધુ કેરીના બોક્સની આવક થઈ હતી. દસ કિલોના બોક્સનું 700થી 1200 રૂપિયા લેખે વેંચાણ થયું હતું.
મે માસમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે આથી આગામી દિવસોમાં હજુ વધુ આવક થશે અને ભાવ ઘટવાની સંભાવના છે. હજુ અમુક વિસ્તારની કાચી કેરી પાકવામાં સમસ્યા થતી હોવાથી સ્થાનિક લોકો કેરી ખરીદતા નથી.દસ બાર દિવસ બાદ કેરી આસાનીથી પાકી જશે ત્યારે ખરીદી વધવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.