જુનાગઢ બદલી કરાયેલા વહીટવદાર કેયુર બારોટ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
અમદાવાદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલના રિપોર્ટ બાદ બદલી થઇ હતી
પત્નીની બિમારીનું ચંદ્રમણી હોસ્પિટલનું બનાવટી પ્રમાણપત્ર આપીને રજા લીધી હતીઃ શહેરકોટડામાં દારૂની હેરફેરમાં નામ આવતા તપાસ થઇ હતી
અમદાવાદ, રવિવાર
સ્ટેટ મોનીટરીંગ સેલના રિપોર્ટના આધારે અમદાવાદમાં વહીવટદાર તરીકે કામ કરતા પોલીસ કર્મચારી કેયુર બારોટની બદલી જુનાગઢ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે કરવામાં આવી હતી. જો કે તેણે નોકરી પર હાજર થવાને બદલે તેની પત્ની બિમાર હોવાથી સારવાર માટે તેની હાજરી જરૂરી છે તેવું કારણ આપીને ખાનગી હોસ્પિટલનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. પરંતુ, થોડા દિવસ પહેલા શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં કેયુર બારોટ દાદાગીરી કરીને દારૂની હેરફેર કરાવતો હોવા અગે એક પોલીસ કોન્સ્ટેબલે ચિઠ્ઠી લખીને ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરતા જુનાગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે કેયુર બારોટે ચંદ્રમણી હોસ્પિટલના પીઆરઓ સાથે મળીને તેની પત્નીના ખોટો મેડીકલ રિપોર્ટ આપ્યો હોવાનું સામે આવતા સમગ્ર મામલે કેયુર બારોટ અને ચંદ્રમણી હોસ્પિટલના પીઆરઓ નિકુંજ વિરૂદ્ધ જુનાગઢ બી ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધીને ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી છે. આ સમગ્ર બાબતની વિગતો એવી છે કે અમદાવાદમા પોલીસના વહીવટદાર તરીકે કામ કરતા કેયુર બારોટ વિરૂદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલના રિપોર્ટના આધારે ડીજીપીએ તેની બદલી જુનાગઢ ુપોલીસ હેડ ક્વાટર્સમાં કરી હતી. પરંતુ, કેયુર બારોટે ગત ૧૨મી ડિસેમ્બર ૨૦૨૪થી તેની પત્ની બિમાર હોવાથી તેની સારવાર માટે તેની હાજરી જરૂરી હોવાનું કારણ આપીને ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ફેમીલી સીક લીવ લીધી હતી. બાદમાં ૧૦મી તારીખે તે હાજર થયો હતો.
બીજી તરફ શહેરકોટડા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીએ ઉચ્ચ અધિકારીઓને કેયુર બારોટ વિરૂદ્ધ પત્ર લખીને આક્ષેપ કર્યો હતો કે તે દારૂની હેરફેર કરાવે છે અને ગાડીઓને ચેકિંગ વિના પસાર કરાવે છે. જે બાબતે જુનાગઢ પોલીસને જાણ થતા દાળમાં કઇંક કાળુ જણાયુ હતુ.
જેથી તેની ફેમીલી સીક લીવ મામલે તપાસ કરી હતી. જેમાં પત્નીની સારવાર બાબતે અલગ-અલગ હોસ્પિટલના સારવાર સર્ટી રજુ કર્યા હતા. આ સર્ટીફિકેટમાં તેની પત્ની ફીટ નથી તેવું સર્ટી રજુ કર્યું હતું પરંતુ તેમાં પત્નીની સારસંભાળ રાખવા માટે પોતાની હાજરીની જરૂર છે તેવો મેડિકલ સર્ટીફિકેટમાં ઉલ્લેખ કર્યો ન હતો. આ ઉપરાંત કોઈપણ પ્રકારની દવા, બિલ કે એક્સરે રજુ કર્યા ન હતા. પ્રાથમિક દ્રષ્ટીએ આ પ્રમાણપત્રો અંગે શંકા જતા આ અંગે કેશોદ ડીવાયએસપી બી.સી. ઠક્કરને તપાસ સોંપવામાં આવી હતી.
તા.૧ર-૧ર-ર૦ર૪થી કેયુર બારોટ પત્નીની તબીયત ખરાબ હોવાથી ફેમિલી સીકમાં ગયા હતા. પ્રથમ તેણે ૧રથી ૧૮ ડિસેમ્બર તેમજ ૧૮થી ૮ જાન્યુઆરી સુધીનું અમદાવાદ સિવીલ હોસ્પિટલનું સર્ટીફિકેટ રજુ કર્યું હતું. બાદમાં ૮થી ૧પ જાન્યુઆરી અને ૧પથી ર૭ જાન્યુઆરી સુધીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલનું સર્ટીફિકેટ રજુ કર્યું હતું. ર૭ જાન્યુઆરીથી ૭ એપ્રિલ તથા રર જાન્યુઆરીથી ૧૭ દિવસનું અમદાવાદની ચંદ્રમણી પ્રાઈવેટ હોસ્પિટલનું સર્ટીફિકેટ રજુ કર્યું હતું. આ અંગે પીએસઆઈ પી.આર. બાલસે ે અમદાવાદમાં સિવીલ હોસ્પિટલમાં જઈ તપાસ કરતા સર્ટીફિકેટ આપનાર બંને તબીબ રજા પર હતા આથી તેની માહિતી આવી ન હતી. ઓજસ હોસ્પિટલ ખાતે ડો. હસમુખભાઈ જીવરાજભાઈ સોનીના દવાખાને જઈ નિવેદન લેતા ત્યાં સોનલબેન કેયુરભાઈને સારવાર આપી હોવાનું અને સર્ટીફિકેટ તેનું હોસ્પિટલનું હોવાનું જણાવ્યું હતું પરંતુ ચંદ્રમણી હોસ્પિટલ ખાતે તબીબનું નિવેદન લેતા ત્યાંના તબીબે રજુ કરેલા સર્ટીફિકેટ પાંચ વર્ષ જુના હોવાનું કહ્યું હતું. હાલ લેન્ડલાઈન નંબરવાળા સર્ટીફિકેટ નથી, મોબાઈલ નંબરવાળા છે. જે ડો. આર.એમ. શર્માની સર્ટીફિકેટમાં સહી હતી તેવા કોઈ ડોક્ટર ત્યાં ફરજ બજાવતા ન હોવાનું સામે આવ્યું હતું અને આ સર્ટીફિકેટમાં જે તારીખ હતી ત્યારે સોનલબેન નામના કોઈ દર્દી સારવારમાં આવ્યા ન હોવાનું ખુલ્યું હતું.
કોન્સ્ટેબલ કેયુર બારોટનું નિવેદન લેતા તેણે સર્ટીફિકેટ નિકુંજભાઈ દ્વારા આપવામાં આવ્યાનું અને તે જુના છે કે નવા તેની જાણ નથી તેવું જણાવ્યું હતું. પોલીસે ચંદ્રમણી હોસ્પિટલના પીઆરઓ નિકુંજ બાબુ કરકરનું નિવેદન લેતા તેણે જણાવ્યું હતું કે, કેયુરભાઈના ભાઈ જૈમીનભાઈ અગાઉ અમદાવાદ સિવિલમાં સેનેટરી ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે ઓળખાણ થતા પારિવારિક સબંધ જળવાયો હતો. જૈમીનભાઈના કહેવાથી કેયુરભાઈના પત્નીના ચંદ્રમણી હોસ્પિટલનું સર્ટીફિકેટ પોતે લખી આપેલ છે તેમાં તબીબોનું નિવેદન લેતા સર્ટીફિકેટમાં તેઓએ સહી કરી ન હોવાનું જણાવ્યું હતું. જે તબીબની સહી અને સિક્કો હતો તેવા કોઈ ડોક્ટર હોસ્પિટલમાં ન હોવાનું સામે આવ્યું હતું.
આ અંગે બી ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ કેયુર ધીરૂભાઈ બારોટ અને અમદાવાદના નિકુંજ બાબુભાઈ કરકર સામે ખોટા મેડિકલ સર્ટીફિકેટ અને ખોટી સહી કરી રજા લીધા અંગે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.