Junagadh News: ગુજરાતનાં જૂનાગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સતાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે. પણ આપા ગીગાનો આ ‘અલખનો ઓટલો’ હવે વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યો છે.
અન્ય બે નવા બાયોગેસ પ્લાન્ટની તૈયારી
સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા બે (85 ઘનમીટર પ્રતિદિવસ) નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.

રોજ સરેરાશ 10 હજાર લોકોનું ભોજન બાયોગેસથી બને છે!
સતાધારની જગ્યામાં એક હજાર ગાયો છે. અહીં યાત્રાળુઓ માટે એક વિશાળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં રોજ સરેરાશ 10 હજાર લોકો ભોજન લે છે. આ રસોડુ ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉત્પન્ન કરવા માટે રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે.

રોજ 10 થી 15 જેટલા સિલિન્ડરની જરૂર પડતી હતી
સંસ્થાનાં વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, જ્યારે બાયોગેસ ન હતો ત્યારે રસોઇ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં રોજનું 800 થી 900 કિલો લાકડુ વપરાતુ હતું. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ કરતા ત્યારે રોજ સરેરાશ 10 થી 15 જેટલા સિલિન્ડરનો ઉપયોગ થતો હતો.
બોયોગેસમાંથી નીકળતી સ્લરીનો ખેતીમાં ઉપયોગ
સતાધારનાં મંહત વિજયબાપુએ જણાવ્યું કે, 'અમે રસોઇ બનાવવા માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર છીએ અને રસોઇ માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કરવામાં આવે છે.'
કેવી રીતે બાયોગેસ બને છે?
ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટો પાસે મોટા પ્રમાણમાં પશુધન તેમજ ખેત કચરો અને રસોઈગૃહમાંથી નીકળતો એંઠવાડ ઉપલબ્ધ રહે છે. આ તમામ જૈવિક પદાર્થોને પ્રાણવાયુની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) કોહડાવતા બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે સસ્તો ગેસ પૂરો પાડે છે. સાથે સાથે આ પ્રક્રિયા બાદ મળતું સ્લરી ઉત્તમ નાઈટ્રોજનયુક્ત સજીવ ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી બને છે.

ગુજરાત સરકાર આપે છે સબસિડી
ગુજરાત સરકારનાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા ‘સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ સંસ્થાઓને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. સતાધાર ધામમાં પણ બાયોગેસ પ્લાન્ટ માટે સબસિડી આપવામાં આવી છે. આ યોજના હેઠળ 25, 35, 45, 60 અને 85 ઘનમીટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. બિન-નફાકીય સંસ્થાઓને કુલ મૂલ્યના 75 ટકા સુધી અને નફાકીય સંસ્થાઓને 50 ટકા સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
સમગ્ર રાજ્યમાં 193થી વધારે સંસ્થાકીય બાયોગેસ કાર્યરત
ચાલુ વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાકીય બાયોગેસ યોજના હેઠળ કુલ 12 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાંથી અંદાજે 60 સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે. આ યોજનાના અમલીકરણ માટે વર્ષ 2025-26 દરમિયાન કુલ 15 એજન્સીઓને માન્યતા આપવામાં આવી છે. આ સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના હેઠળ વર્ષ 2021-22 થી 2025-26 દરમિયાન છેલ્લા પાંચ વર્ષોમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા 13955 ઘનમીટર પ્રતિ દિવસ જેટલી થાય છે.


