Gujarat

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં હવે દિવ્યા સાવલાણીની ધરપકડ

By GS TEAM
24 Feb 20262 mins read
TukuTouch Logo
સોશિયલ મીડિયા ફેમ અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ખંડણીના એક કેસમાં જામીન મળ્યા બાદ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય ગુના સંદર્ભે કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. ભવનાથ પોલીસ દ્વારા આ મામલે કીર્તિ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢ: કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં થઈ હાજર, ખંડણી કેસમાં હવે દિવ્યા સાવલાણીની ધરપકડ

Kirti Patel Case: સોશિયલ મીડિયા ફેમ અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે ખંડણીના એક કેસમાં જામીન મળ્યા બાદ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય ગુના સંદર્ભે કીર્તિ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થઈ હતી. ભવનાથ પોલીસ દ્વારા આ મામલે કીર્તિ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ જુનાગઢ ખંડણી કેસમાં કીર્તિ પટેલ બાદ હવે દિવ્યા સાવલાણીની ધરપકડ કરાઈ છે.

કીર્તિ પટેલ જુનાગઢ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ

ભવનાથમાં શિવરાત્રિ દરમિયાન મૃગી કુંડમાં સ્નાન કરવા બાબતે કીર્તિ પટેલ વિરૂદ્ધ ફરિયાદ થઈ હતી. ત્યારે હવે આ મામલે પોતાના વકીલ સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. તેના વિરૂદ્ધ ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ નોંધાયેલી છે. પ્રભાસ પાટણના બજરંગદાસબાપુએ ફરિયાદ નોંધાવી હતી.

જૂનાગઢ તાલુકા પોલીસે દિવ્યા સાવલાણીની ધરપકડ કરી

કીર્તિ પટેલની સાથીદાર દિવ્યા સાવલાણીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી. પોલીસે દિવ્યા સાવલાણીના કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે, કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં રજૂ કરાતા પૂર્વે જૂનાગઢ તાલુકા પોલીસે દિવ્યા સાવલાણીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. દિવ્યા સાવલાણી પર પણ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે.

ધાર્મિક લાગણી દુભાવવાનો અને ફરજમાં રુકાવટનો આરોપ

કીર્તિ પટેલ વિરુદ્ધ જૂનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. જેમાં તેના પર પોલીસની ફરજમાં રુકાવટ ઉભી કરવાનો તેમજ લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનું કૃત્ય કરવાનો આરોપ છે. આ કેસની તપાસના ભાગરૂપે કીર્તિ પટેલ પોતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, જ્યાં તપાસ અધિકારીઓએ તેની કલાકો સુધી પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું.

ખંડણી કેસમાં રાહત, પણ મુશ્કેલી યથાવત્

ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલને ગઈકાલે જ એક ખંડણીના કેસમાં કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જોકે, હજુ પણ તેની વિરુદ્ધ અન્ય બે ફરિયાદો નોંધાયેલી છે. ભવનાથમાં નોંધાયેલા આ કેસમાં કાયદાકીય તપાસ હજુ ચાલુ છે. અગાઉ પણ કીર્તિ પટેલના અનેક વીડિયો વાયરલ થયા હતા, જેમાં તે ભાવુક થતી અને રડતી પણ જોવા મળી હતી. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે પુરાવાઓ એકત્ર કરી રહી છે અને કીર્તિ પટેલના નિવેદનના આધારે તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.