Gujarat

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા

By GS TEAM
26 Feb 20262 mins read
યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા

સામાન્ય લોકો તો ઠીક, ભાજપના ધારાસભ્ય પણ છેતરપિંડીનો ભોગ : જ્યોર્જીયા ફરવા જવા ફ્લાઇટ અને હોટલ બૂકિંગના પૈસા આપ્યા પરંતુ યુધ્ધના લીધે ફ્લાઇટ રદ થઇ હતી, પૈસા પરત ન મળ્યા

જૂનાગઢ, : જૂનાગઢના ધારાસભ્યએ પરિવાર સાથે જ્યોર્જીયા ફરવા માટે અમદાવાદની ટ્રાવેલ કંપની મારફત ગત જુન માસમાં ફ્લાઈટની ટિકિટ તેમજ હોટલ બુકિંગ કરાવ્યું હતું તેના ૭.૧પ લાખ રૂપિયા આપ્યા હતા. તે સમયે ઈરાન યુધ્ધના કારણે ફ્લાઈટ રદ થતાં પ્રવાસ થઈ શક્યો ન હતો. ચુકવેલા પૈસા પરત કરવા અનેકવાર માગણી કરવા છતાં અમદાવાદની ટ્રાવેલ કંપનીના સંચાલકોએ રિફંડ આપ્યું ન હતું. આ મામલે ધારાસભ્યના અંગત મદદનીશે અમદાવાદની ટ્રાવેલ કંપનીના કર્મચારીઓ અને ભાગીદારો સામે ફરિયાદ કરતા બી ડિવિઝન પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ ઉર્ફે સુરેશભાઈ કૃષ્ણદાસ કોરડીયાને જૂન 2025માં પરિવારના સભ્યો સાથે જ્યોર્જીયા ફરવા જવાનું હોવાથી તેણે તેના સંબંધી મારફતે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સ્પાર્કલ હોલીડે પ્રાઈવેટ લિમિટેડ નામની ટ્રાવેલ કંપનીમાં ચાર ફ્લાઈટની ટિકિટ તેમજ હોટલ બુકિંગ કરાવ્યું હતું. તે પેટે ૭,૧પ,૮૦૦ રૂપિયા ટ્રાવેલ કંપનીને ચુકવવામાં આવ્યા હતા. નિર્ધારિત સમયે ધારાસભ્ય તથા તેના પરિવારજનો એરપોર્ટ પર પહોંચી ગયા હતા પરંતુ તે સમયે ઈરાન યુધ્ધના કારણે ફ્લાઈટ રદ થતા તેઓ પ્રવાસે જઈ શક્યા ન હતા. આથી તેઓએ સ્પાર્કલ હોલીડે પ્રાઈવેટ લિમિટેડના ભાગીદારો અને કર્મચારીઓ પાસે ફ્લાઈટ રદ થતા તેના બુકિંગ પેટે ચુકવેલી રકમનું રિફંડ માંગ્યું હતું ત્યારે કંપનીના કર્મચારીઓ અને ભાગીદારોએ રિફંડ આપવા હા પાડી હતી પરંતુ પૈસા પરત આપ્યા ન હતા. ધારાસભ્યના પીએએ અનેકવાર પૈસા પરત માંગ્યા હતા છતાં પણ રિફંડ કરવામાં આવ્યું ન હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ તેમના પીએને આ અંગે ફરિયાદ કરવા જણાવતા પીએ હર્ષ લાલજીભાઈ ગોઠીએ અમદાવાદની સ્પાર્કલ હોલીડે પ્રાઈવેટ કંપનીના ભાગીદારો અને કર્મચારીઓ સામે ફરિયાદ કરતા બી ડીવીઝન પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સામાન્ય લોકો આવી રીતે છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે તેને રિફંડ મેળવવા માટે મુશ્કેલી ભોગવવી પડે છે પરંતુ ધારાસભ્ય પણ આવી છેતરપિંડીનો ભોગ બન્યા છે અને તેણે પણ ફરિયાદ કરવી પડી છે.