ભવનાથની તળેટીમાં શિવભક્તિનો સાગરઃ હઠ યોગીઓ અને ભભૂતધારી સંતોના દર્શન માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Junagadh Mahashivratri Mela: ગિરનારની ગોદમાં શિવ અને શક્તિના મિલન સમાન 'મહા શિવરાત્રિનો મેળો' અત્યારે પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે. ભારતભરમાં માત્ર જૂનાગઢની પાવન ધરા પર જ યોજાતો આ 'સાધુઓનો મેળો' શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને કુતૂહલનો વિષય બન્યો છે. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતોએ ભવનાથ તળેટીમાં ધામા નાખ્યા છે.

સાધુઓના વિભિન્ન સ્વરૂપો અને હઠયોગ
મેળાના મેદાનમાં ડગલેને પગલે આધ્યાત્મિકતાના અનોખા દૃશ્યો જોવા મળી રહ્યા છે. અહીં આવતા સાધુઓ પોતપોતાની આગવી રીતે મહાદેવની આરાધના કરી રહ્યા છે. કોઈ સાધુ આકરી ઠંડીમાં પણ કાંટા પર આસન જમાવીને બેઠા છે, તો કોઈ કલાકો સુધી એક જ મુદ્રામાં ઊભા રહીને કઠિન તપસ્યા કરી રહ્યા છે. અનેક સાધુઓ પોતાની વર્ષો જૂની લાંબી જટાઓ અને શરીર પર ભસ્મ લગાવીને સાક્ષાત શિવ સ્વરૂપ ભાસી રહ્યા છે. તળેટીમાં અસંખ્ય ધૂણા ધખાવવામાં આવ્યા છે, જેની આસપાસ બેસી સાધુઓ લોકકલ્યાણ માટે મંત્રજાપ કરી રહ્યા છે.

'ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા'
શિવ સ્વરૂપ સાધુઓના શરીર પર લેપાયેલી ભસ્મ ભક્તો માટે આશીર્વાદ સમાન છે. ભસ્મધારી સાધુઓને જોઈને પ્રખ્યાત ભજન 'બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા' પંક્તિઓ સાર્થક થતી જણાય છે. સાધુઓ માટે આ રાખ એ માત્ર રાખ નથી, પરંતુ ભૌતિક સુખ-સુવિધાઓનો ત્યાગ અને ઈશ્વર સાથેના મિલનનું પ્રતીક છે.

મહા શિવરાત્રિના મેળાનું વિશેષ મહત્ત્વ
જૂનાગઢનો આ મેળો 'મિની કુંભ' તરીકે પણ ઓળખાય છે. દેશભરમાં અનેક સ્થળોએ શિવરાત્રિ ઉજવાય છે, પરંતુ આવી રીતે સાધુઓનો મેળાવડો માત્ર ભવનાથમાં જ જોવા મળે છે. આગામી મહા શિવરાત્રિના દિવસે નીકળનારી રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન આ મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે.









