જૂનાગઢ LCBના સ્ટાફે ઉપાડી જઇ 5 વેપારીઓને માર માર્યાની રાવ

આંતરરાષ્ટ્રીય મોબાઈલ વેંચતા હોવાની શંકાથી : વેપારીઓએ ગુપ્ત ભાગે વીજશોક આપ્યાનું જણાવ્યું : તપાસ બાદ કાર્યવાહી થશેઃ S.P.
જૂનાગઢ, : જૂનાગઢમાં ઇન્ટરનેશનલ મોબાઈલ વેંચતા હોવાની શંકાથી એલસીબીએ 5 વેપારીઓને ઉપાડી જઈ મારમારી ગુપ્ત ભાગમાં વીજશોક આપ્યાની રાવ સાથે વેપારીઓ સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.આ મામલે એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી.એસ.પી.એ આ મુદ્દે તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢમાં મોબાઇલની દુકાનમાં ઇન્ટરનેશનલ મોબાઈલ વેંચતા હોવાની શંકાના આધારે એલસીબીના સ્ટાફે પાંચ વેપારીઓને ઉપાડી જઈ ઘર અને દુકાનમાં તપાસ કરી હતી પરંતુ આવા કોઈ ફોન મળ્યા ન હતા.આજે સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલા વેપારીઓએ જણાવ્યું હતું કે અમને જયશ્રી રોડ પરથી ઉપાડી જઈ ઘરે અને દુકાને લઈ જઈ તપાસ કરી હતી પરંતુ કોઈ આંતરરાષ્ટ્રીય મોબાઈલ મળ્યા ન હતા.બાદમાં એલસીબી કચેરીએ લઈ જઇ ત્યાં એલસીબી પી.આઈ.કે.એમ.પટેલ,પીએસઆઇ ભાટી અને આઝાદસિંહે બેફામ ગાળો આપી મારમાર્યો હતો અને ગુપ્ત ભાગે વીજશોક આપ્યો હતો.આજે વહેલી સવારે મુક્ત કર્યા હતા.આથી સિવીલ હોસ્પિટલમાં દાખલ થયા છીએ. વેપારીઓ અને અન્ય આગેવાનોએ એસ.પી.ને આ અંગે રજુઆત કરી હતી.એસ.પી.એ તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. જયારે એસ.પી.સુબોધ ઓડેદરાનો સંપર્ક કરતા તેઓએ આ બાબત અંગે તપાસ કરાવી કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું.









