Get The App

જૂનાગઢમાં લંબે હનુમાનજીને 11 કિલો ચાંદીનાં આભૂષણ ચડાવ્યાં

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News

ચાંદીના આભૂષણનું સુરતમાં નિર્માણ થયું : ગાયના શુધ્ધ ઘીમાંથી તૈયાર થયેલા 21,000 લાડુનો હનુમાનજી મહારાજને ભોગ ધરાવાયો

જૂનાગઢ, : આજે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે જૂનાગઢના એક પરિવાર દ્વારા 11 કિલોથી વધુ ચાંદીમાંથી નિર્માણ થયેલા આભૂષણ લંબે હનુમાનજીને ચડાવવામાં આવ્યા હતા. આ આભૂષણ સુરતમાં તૈયાર કરાવાયા છે. આ ઉપરાંત આજે ગાયના શુધ્ધ ઘીમાંથી બનાવેલા 21,000 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

આજે હનુમાનજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે મંદિરોમાં ભાવિકોની ભીડ જામી હતી. જેમાં ભાવિકોએ યથાશક્તિ દાન કર્યું હતું. જ્યારે જૂનાગઢના સાવલીયા પરિવારે આજે હનુમાનજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે 11 કિલો 162 ગ્રામ ચાંદીમાંથી નિર્માણ થયેલા આભૂષણ લંબે હનુમાનજી મહારાજને ચડાવ્યા હતા. આ પરિવારે જણાવ્યું હતું કે, અમે પરિવાર સાથે દર શનિવારે લંબે હનુમાનજી મહારાજના દર્શને આવીએ છીએ અને હંમેશા દર્શન કરવા તત્પર રહીએ છીએ.  

લંબે હનુમાનજી મહારાજની મૂર્તિ દર વર્ષે ચોખાના દાણા જેટલી વધતી હોવાની માન્યતા

લંબે હનુમાનજી મહારાજના મહંત અર્જુનદાસબાપુએ જણાવ્યું હતું કે, લંબે હનુમાનજી મહારાજ ભાવિકો પર તુરંત પ્રસન્ન થઈ જાય છે. વર્ષોથી આવતા ભાવિકો તેમજ અમારા ગુરૃજનોના જણાવ્યા મુજબ હનુમાનજીની મૂર્તિ અગાઉ આવડી ન હતી. દરવર્ષે આ મૂર્તિ ચોખાના દાણા જેટલી વધતી હોવાની માન્યતા છે. આજે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે યુધ્ધ બંધ થાય તેમજ સમગ્ર જગતનું કલ્યાણ થાય સર્વેની મનોકામના પૂર્ણ થાય એ માટે મહંતે હનુમાનજીને પ્રાર્થના કરી છે.