Gujarat

જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની ધરપકડ

By GS TEAM
21 Oct 20252 mins read
TukuTouch Logo
દિવાળીની રાત્રે જૂનાગઢમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં 28 વર્ષીય યુવક દિવ્યેશ ચૂડાસમા નામના યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. મધુરમ રોડ પર થયેલા આ જીવલેણ હુમલાથી સમગ્ર શહેરમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢમાં દિવાળીની રાત્રે લોહીયાળ ઝઘડો: ફટાકડા ફોડવાની નજીવી બાબતે યુવકને મોતને ઘાટ ઉતારાયો, ત્રણની ધરપકડ

Clash in Junagadh: દિવાળીની રાત્રે જૂનાગઢમાં એક અત્યંત કરૂણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે થયેલી માથાકૂટમાં 28 વર્ષીય યુવક દિવ્યેશ ચૂડાસમા નામના યુવકે જીવ ગુમાવવો પડ્યો છે. મધુરમ રોડ પર થયેલા આ જીવલેણ હુમલાથી સમગ્ર શહેરમાં શોક અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે.

ફટાકડા ફોડવા બાબતે ઉગ્ર બોલાચાલી બાદ હુમલો

પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળીની મોડીરાત્રે મધુરમ વિસ્તારમાં રોડની બંને બાજુએ લોકો ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન અમૂલ એપાર્ટમેન્ટ નજીક દિવ્યેશ ચૂડાસમાની ફટાકડા ફોડવા બાબતે એપાર્ટમેન્ટમાં રહેતી વ્યક્તિઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડાએ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઉશ્કેરાયેલા એક મહિલા સહિત ત્રણથી વધુ હુમલાખોરોએ અચાનક દિવ્યેશ પર પાઇપ, ધોકા અને લાકડી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો.

તીક્ષ્ણ હથિયારના ઘાથી યુવકનું મોત

આ જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા 28 વર્ષીય દિવ્યેશ ચૂડાસમાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં દિવ્યેશના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા લાગ્યા હોવાનું બહાર આવ્યું છે. આ હુમલામાં દિવ્યેશનો મિત્ર નિશિત વાઘેલા પણ ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે મૃતક દિવ્યેશના મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મધુરમ રોડ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું.

પોલીસની તાત્કાલિક કાર્યવાહી, ત્રણ શકમંદો ઝડપાયા

ઘટનાની ગંભીરતા જોતા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થાનિકોની પૂછપરછ અને સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ આ હત્યાના કેસમાં એક મહિલા સહિતના ત્રણ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય શકમંદોને વધુ પૂછપરછ માટે સી-ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.

પરિવાર પર આફતનો પહાડ તૂટી પડ્યો

મૃતક દિવ્યેશ ચૂડાસમા અને તેની માતા બે એકલા રહેતા હતા, દિવ્યેશ ખાનગી નોકરી કરીને ગુજરાન ચલાવતો. દિવાળી રાત્રે પુત્ર ગુમાવતાં માતા પર દુખનું આભ તૂટી પડ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલાં જ દિવ્યેશના ભાઇએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું, જ્યારે આ આઘાતમાં તેના પિતાનું પણ નિધન થયું હતું. હાલ માતા-પુત્ર એકલવાયું જીવન જીવી રહ્યા હતા. ત્યારે હવે દિવાળીની રાત્રે એકના એક પુત્રના અકાળે મોતે વૃદ્ધ માતા પર આભ ફાટી પડ્યા જેવો ઘેરો આઘાત પહોંચાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.