જૂનાગઢ ભા.જ.પ.માં 'યાદવાસ્થળી'! આક્ષેપબાજીનો મુદ્દો પ્રદેશમાં પહોંચ્યો

શહેર પ્રમુખે આક્ષેપકર્તાને વખોડી નેતાગીરીને પગલાં લેવા સૂચવ્યું : જૂનાગઢ મહિલા મોરચાના પ્રમુખના પુત્રનો ગંભીર આક્ષેપ, 'શહેર ભાજપના પૂર્વ અને હાલના પ્રમુખ વ્યાજખોર અને ભ્રષ્ટાચારી'
જૂનાગઢ, : ભાજપમાં અંદરોઅંદર ચાલતો વિખવાદ હવે ચરમ સીમા પર પહોંચી ગયો છે. શહેર ભાજપના પૂર્વ તથા વર્તમાન પ્રમુખ સામે ભાજપના જ મહિલા મોરચાના પુત્રએ વ્યાજખોરી, ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આરોપ લગાવ્યા છે, જ્યારે સામે પક્ષે ભાજપ પ્રમુખે પ્રદેશમાં રજૂઆત કરી પગલા ભરવા માંગ કરી છે.
જૂનાગઢ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ આરતીબેન જોષીના પુત્ર તેજસ જોષીએ આક્ષેપ કર્યો છે કે, શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલીયા મોટાપાયે વ્યાજવટાવનો ધંધો કરે છે અને ગેરકાયદેસર બાંધકામના ધંધા કરી કરોડોની કમાણી કરે છે. હાલમાં ભાજપની નવી ટીમ બનાવી તેમાં પોતાના લાગતાવળગતાઓને ગોઠવી દીધા છે તેથી કોઈ તેનો વિરોધ ન કરે. તેવી જ રીતે પૂર્વ પ્રમુખ પુનિત શર્માએ અનેક ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચર્યો છે. આ બંનેના ભ્રષ્ટાચારથી ભાજપની આબરૂને બટ્ટો લાગ્યો છે. આ બંને સામે કાર્યવાહી થાય તેવી પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી છે.
બીજી તરફ, આ મામલે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ વળતો પ્રહાર કર્યો છે કે, ગિરનાર દરવાજાથી જવાહર રોડ સુધી પૂછશો તો ખબર પડશે કે વ્યાજવટાવનો ધંધો કોણ કરે છે અને કોનો ત્રાસ છે ? એક પરિવાર એક હોદ્દો મુજબ તેના મમ્મીને મહિલા મોરચાના પ્રમુખ બનાવ્યા છે. પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓને આ સમગ્ર મામલે રજૂઆત કરી છે. એકવાર નહી પરંતુ આ વ્યક્તિએ ત્રણ-ત્રણ વાર આવા આરોપ લગાવ્યા છે. હોદ્દાની લાલસા માટે અને સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કૃત્ય કરવામાં આવી રહ્યું છે. ભાજપનું શિર્ષ નેતૃત્વ તાત્કાલિક શિસ્તભંગના પગલા લે તેવી માંગ કરવામાં આવી છે.








