જૂનાગઢ ભાજપના નગરસેવક અને અધિકારી વચ્ચે મનપામાં ઝઘડો
રસ્તાના કામ મુદ્દે કરેલી ફરિયાદ બાબતે ડખો : કાર્યપાલક ઈજનેરે નગરસેવકને લાફા મારી દીધા હોવાના આક્ષેપ
જૂનાગઢ, : જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૩ના ભાજપના નગરસેવક અને મનપાના ઈન્ચાર્જ કાર્યપાલક ઇજનેર વચ્ચે બબાલ થઈ હતી. મનપાના નગરસેવકે અધિકારી સામે પોલીસમાં ફરિયાદ અરજી આપતા મામલો ગરમાયો છે. જ્યારે સામા પક્ષે અધિકારી દ્વારા પણ આ અંગે ફરિયાદ દાખલ કરાવવામાં આવે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. બબાલ થવાનું મુખ્ય કારણ એ છે કે નગરસેવકે અન્ય વોર્ડના રસ્તાના ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરી હતી તેના મનદુઃખમાં આ ડખો થયો હોવાનું સામે આવી રહ્યું છે.
વોર્ડ નંબર 3 નગરસેવક હરસુખભાઈ ડાયાભાઈ મકવાણાએ B ડિવિઝન પોલીસમાં અરજી આપી છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યપાલક ઈજનેર ઝાલાએ પોતાને બે ફડાકા મારી દીધા હતા. ફડાકા મારવાના કારણ અંગે તેણે જણાવ્યું છે કે, શહેરના વોર્ડ નંબર ૨ના રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી તેની રજૂઆત કરી હતી, જે રજૂઆતનો ખાર રાખી તેણે ભાજપના અન્ય નગરસેવક સહિતનાઓને જાણ કરી હતી. ત્યારબાદ આજે હરસુખભાઈ મકવાણા કાર્યપાલક ઇજનેર ઝાલાની ઓફિસમાં ગયા ત્યારે ઝાલાએ 'કેમ રસ્તાના ભ્રષ્ટાચારની ફરિયાદ કરો છો' તેમ કહી બે ફડાકા મારી દીધા હોવાના આક્ષેપ સાથે 112માં જાણ કરી હતી. ત્યારબાદ નગરસેવકે બી ડિવિઝન પોલીસમાં અરજી આપી કાર્યપાલક ઇજનેર સામે ગુનો દાખલ કરવા માંગ કરી છે. જ્યારે આ અંગે કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કરવાનો પ્રયત્ન સફળ થઈ શક્યો નથી પરંતુ તેમના દ્વારા પણ આ અંગે નગરસેવક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આમ ભાજપના નગરસેવક અને અધિકારીની બબાલ જૂનાગઢ મહાનગરપાલિકામાં ચર્ચાનો મુદ્દો બની હતી.