જૂનાગઢઃ નદીમાં ડૂબતા મિત્રોને બચાવવા જતા સેનાના જવાનનું મૃત્યુ

Junagadh News: દિવાળીની રજાઓમાં જૂનાગઢના વંથલી તાલુકા નજીક આવેલા ટીકર ગામ પાસેની ઓઝત નદીમાં એક દુઃખદ ઘટના સર્જાઈ છે. જેમાં પોતાના મિત્રોનો જીવ બચાવવા જતા સેનાના એક જવાનનું નદીના પ્રવાહમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચાર મિત્રો દીવાળી વેકેશનમાં ટીકર ગામ પાસેની ઓઝત નદીમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન ત્રણ મિત્રો પાણીના પ્રવાહમાં ડૂબવા લાગ્યા હતા. તેમને ડૂબતા જોતા જ ભારતીય સેનામાં ફરજ બજાવતા ભરતભાઈ લક્ષ્મણભાઈ ભેટારીયાએ સાથી મિત્રોનો જીવ બચાવી લીધો હતો, પરંતુ આ પ્રયાસમાં તેઓ પોતે જ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેમનું ડૂબી જવાથી મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મોડી રાત સુધી તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેમનો મૃતદેહ મળી આવ્યો ન હતો. આજે સવારે ભરતભાઈનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં તહેવાર ટાણે શોકનો માહોલ છવાઈ ગયો છે. ભરતભાઈ ભેટારીયાએ પોતાના મિત્રોને બચાવવા માટે આપેલા બલિદાનની આ ઘટનાથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.