Gujarat

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ

By GS TEAM
5 Sep 20254 mins read
TukuTouch Logo
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલાં વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે આ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા અન્ય વિદ્યાર્થી પર અત્યાચાર ગુજારાતો હોવાના ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વીડિયોએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ

Alpha International School Viral Video: જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. એક મહિના પહેલાં વિદ્યાર્થીઓને માર મારવાના વીડિયો વાઇરલ થયા બાદ હવે આ જ હોસ્ટેલના વિદ્યાર્થીઓના એક ગ્રુપ દ્વારા અન્ય વિદ્યાર્થી પર અત્યાચાર ગુજારાતો હોવાના ચારથી પાંચ નવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. આ વીડિયોએ વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે, અને હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થા તેમજ સંચાલકોની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

નવા વાઇરલ થયેલા વીડિયોમાં પણ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ અન્ય એક વિદ્યાર્થીને નિર્દયતાથી માર મારતા જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ત્રણથી ચાર વિદ્યાર્થીઓ એક પછી એક ગડદાપાટુ અને મુક્કા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર થઈ રહેલા આ શારીરિક અત્યાચારના દૃશ્યો અત્યંત ચોંકાવનારા છે.

આ ઘટના બાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને તેમના પર થતા અત્યાચાર રોકવા માટે સંચાલકો શું પગલાં લઈ રહ્યા છે તે અંગે પ્રશ્નો ઊભા થયા છે. વાલીઓ માંગ કરી રહ્યા છે કે આ મામલે કડક તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ ઘટનાથી શાળાની પ્રતિષ્ઠાને પણ મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક પોલીસ અને શિક્ષણ વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

એક મહિના પહેલાં શું બની હતી ઘટના?

જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં 27 જુલાઈના રોજ કબડ્ડી રમવા જેવી નજીવી બાબતે પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ જોતાં ચોંકી ઉઠ્યા હતા અને સોમવારે (1 સપ્ટેમ્બર) પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વીડિયો જોઇ પિતાએ નોંધાવી હતી ફરિયાદ

આ ઘટના આજથી એક મહિના પહેલા બની હતી, જ્યારે હોસ્ટેલમાં રહેતા પાંચ વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થીને ગડદાપાટુ અને લાફા ઝીંકીને ઢોર માર્યો હતો. આ સમગ્ર ઘટના અન્ય એક વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે ચાર-પાંચ વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે. ભોગ બનનાર વિદ્યાર્થી માર સહન ન કરી શકતા રડી રહ્યો છે, તેમછતાં ચાર-પાંચ વિદ્યાર્થીઓ ભેગા મળીને ઢોર માર મારી રહ્યા છે. 

વીડિયો વાઇરલ થયા બાદ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ 30 ઓગસ્ટ 2025ના રોજ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો જોયો હતો. પોતાના પુત્રને માર મારવામાં આવતો જોઈને તેમણે તાત્કાલિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  જેમાં માર મારનાર ચાર વિદ્યાર્થીઓ અને વીડિયો ઉતારનાર એક વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે.

આજની યુવા પેઢીમાં હિંસક માનસિકતાનો ભયજનક ઉછાળો

આજનું યુવાધન કેવી માનસિકતા ધરાવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ તાજેતરમાં સામે આવી રહેલી હિંસાની ઘટનાઓ પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજના મોબાઈલ અને ટેકનોલોજીના યુગમાં બાળકોની માનસિકતા હિંસક બની રહી છે, જે સમાજ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે.

તાજેતરના કિસ્સાઓ દર્શાવે છે કે બાળકોના કુમળા મન પર વેબ સિરીઝ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થતા હિંસક દ્રશ્યોની સીધી અસર થઈ રહી છે. આ દૃશ્યોનું અનુકરણ કરીને, બાળકો પોતાની ધાક જમાવવા અને રોફ બતાવવા માટે વધુને વધુ હિંસક બની રહ્યા છે.

આ જ કારણોસર શાળાઓ અને કોલેજોમાં દાદાગીરી અને મારઝૂડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર શારીરિક નુકસાન જ નથી પહોંચાડતી, પરંતુ યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઊભું કરી રહી છે. 

પીડિતના માનસ પરથી જીવનભર ભૂંસાતી નથી આવી યાતના 

આ પ્રકારની કૃરતા કોઈ પણ પીડિત ભૂલી શકતા નથી. મનો ચિકિત્સકોના મતે આવા લોકોના માનસ પર જીવનભર આ ઘટના ઘર કરી જાય છે. તે કોઈ ફોબિયાનો શિકાર પણ બની શકે છે, તેને માનસિક અસર પણ થઈ શકે છે. લોકો તેના વિશે લોકો શું વાત કરશે? કાયર સમજશે વગેરે સવાલો તેના મનમા ઉઠે છે અને તે એક અલગ જ પીડામાં સરી જાય છે. તે પોતાનો આપો પણ ખોઈ બેસી શકે છે અને ન કરવા જેવું કંઈ પણ કરી શકે છે. આ પ્રકારની ઘટનાની પીડિતો પર ઘણી માઠી અસર થતી હોવાથી તેમને કાઉન્સેલિંગની પણ સતત જરૂર પડે છે. ત્યારે તે માંડ આ દુષ્પ્રભાવમાંથી બહાર આવી શકે છે. આ સાથે આ પીડા ન માત્ર પીડિતો ભોગવે છે, પરંતુ તેના સમગ્ર પરિવારને ભોગવવાનો વારો આવે છે.