સુરત, તા. 1 સપ્ટેમ્બર 2018 શનિવાર
આદિવાસીઓના જુગતરામ દાદા તરીકે પ્રસિદ્ધ થયેલા અને વેડછીનો વડલો તરીકે જાણીતા લેખક અને સ્વાતંત્ર્ય સૈનિક જુગતરામ દવેનો આજે જન્મ દિવસ છે.
જુગતરામ દવેજીનો જન્મ દિવસ "સેવા દિવસ" તરીકે ઉજવાય છે અને તેમનો જન્મ પહેલી સપ્ટેમ્બર 1888ના રોજ સુરેન્દ્રનગરના લખતરમાં થયો હતો. તેમને પોતાનું શિક્ષણ વઢવાણ. ધ્રાંગધ્રા અને મુંબઈમાં કર્યા બાદ પોતાના કાર્યક્ષેત્ર આદિવાસી વિસ્તારને બનાવ્યો હતો. જુગતરામ દાદા કર્મશીલ આદિવાસી, લેખક અને સ્વતંત્ર સૈનિક આમ અનેક પાસાઓ સાથેનું વ્યક્તિત્વ ધરાવતા હતા.
વર્ષ 1917ના વર્ષમાં મુંબઈ ખાતે હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં તેમણે નોકરી સ્વીકારી હતી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી અને પછી સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના સંસર્ગથી તેઓ સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્ય અર્થે જોડાયા હતા. આ સમયગાળા દરિમયાન ઇ. સ. ૧૯૧૯ના વર્ષમાં ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સ્વીકારી. જે એમણે ઇ. સ. ૧૯૨૩ના વર્ષ સુધી સફળતાપૂર્વક સંભાળી હતી.
૧૯૨૩થી ૧૯૨૭માં એમણે દેશભરમાં જાણીતા બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો અને ઇ. સ. ૧૯૨૮ના વર્ષ પછીનું આખું જીવન એમણે દક્ષિણ ગુજરાતના રાનીપરજ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલા વેડછી (જિ.સુરત) ગાંધી આશ્રમમાં આદિવાસી ગ્રામસેવા અને આશ્રમી કેળવણીમાં ગાળ્યુ હતુ. અંગ્રેજ સરકાર સામે બાથ ભીડતાં અલગ અલગ સત્યાગ્રહોમાં એમણે કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો હતો. ભારત દેશને આઝાદી મળ્યા પછી એમણે ઇ. સ. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું.
આંધળાનું ગાડું, ચાલણ ગાડી, એવા અનેક પાઠય પુસ્તકો તેઓએ લખ્યા..કાકા સાહેબ કાલેલકરએ જેમને સંસ્કારી એલચી તરીકે સંબોધ્યા હતા. 14 માર્ચ 1985ના રોજ 92 વર્ષની જૈફ વયે તેઓનું વાલોડના વેડછી ગાંધી આશ્રમ ખાતે અવસાન થયું.


