Fake PA Arrested In Amreli: ગુજરાતમાં નકલી ઓફિસ, નકલી કોર્ટ અને નકલી અધિકારીઓ બાદ હવે નકલી પર્સનલ આસિસ્ટન્ટ (PA)નો મામલો સામે આવ્યો છે. અમરેલી જિલ્લાના બગસરામાં ડિસ્ટ્રિક્ટ જજના પી.એ. બનીને બેરોજગાર યુવકને ડ્રાઈવરની નોકરી અપાવવાની લાલચ આપી 2 લાખ રૂપિયા પડાવનાર શખસને પોલીસે ઝડપી લીધો છે. આ ગઠીયાએ હદ તો ત્યારે કરી જ્યારે તેણે જજના સહી-સિક્કાવાળો નકલી નિમણૂક પત્ર પણ પધરાવી દીધો હતો.
શું છે સમગ્ર મામલો?
અમરેલી જિલ્લાના બગસરા પોલીસે માવજીંજવા ગામના પ્રકાશ દાફડા નામના શખસની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી પ્રકાશ દાફડાએ પોતે અમરેલી ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબનો પી.એ. હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે જેતપુરના ખજૂરી ગુંદાળા ગામના નિકુંજ બુટાણી નામના યુવકને જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવર તરીકે સરકારી નોકરી અપાવવાનો વાયદો કર્યો હતો. આ કામ માટે આરોપીએ યુવક પાસેથી 2 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
નકલી ઓર્ડર લઈને કોર્ટમાં પહોંચતા ભાંડો ફૂટ્યો
ઠગ પ્રકાશ દાફડાએ યુવકનો વિશ્વાસ જીતવા માટે તેને અમરેલી જિલ્લા કોર્ટના ડ્રાઈવર તરીકેનો નકલી નિમણૂક ઓર્ડર પણ આપ્યો હતો. જ્યારે નિકુંજ બુટાણી આ ઓર્ડર લઈને અમરેલી કોર્ટમાં હાજર થવા પહોંચ્યો, ત્યારે ત્યાંના વહીવટી તંત્રએ આ ઓર્ડર નકલી હોવાનું જણાવ્યું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જ યુવકે બગસરા પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસે તપાસ હાથ ધરી
ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે બગસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નકલી પી.એ. પ્રકાશ દાફડાની ધરપકડ કરી છે. આરોપી સામે સરકારી કર્મચારીની ખોટી ઓળખ આપવી, છેતરપિંડી અને નકલી દસ્તાવેજો બનાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હવે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે આ શખસે અત્યાર સુધીમાં અન્ય કેટલા બેરોજગાર યુવકોને પોતાની જાળમાં ફસાવીને નાણાં પડાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીઓના વધતા કિસ્સાઓએ વહીવટી તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે, ત્યારે અમરેલી પોલીસની આ સફળતાથી વધુ એક ઠગ જેલના સળિયા પાછળ ધકેલાયો છે.


