Gujarat

કમાટીબાગમાં જોયટ્રેનની નીચે આવેલી બાળકીના મોત અંગે આખરે દોઢ મહિને FIR થતાં ડ્રાઇવરની ધરપકડ

By GS TEAM
27 Jun 20252 mins read
કમાટીબાગમાં જોયટ્રેનની નીચે આવેલી બાળકીના મોત અંગે આખરે દોઢ મહિને FIR થતાં ડ્રાઇવરની ધરપકડ

વડોદરાઃ કમાટીબાગમાં જોયટ્રેનની દુર્ઘટના અંગે આખરે બાળકીના મોત બદલ બેદરકારી રાખનાર ડ્રાઇવર સામે દોઢ મહિને ગુનો નોંધવામાં આવ્યો છે.

જંબુસરના કોઠીયાની વાડી કસ્બા ખાતે રહેતી નાઝીયા પરવેઝખાન પઠાણે ફરિયાદમાં કહ્યું છે કે,હું મારી ચાર વર્ષની પુત્રી ખદીજાહ, માતા અને અન્ય પરિવારજનો સાથે ગઇ તા.૧૦મી મે એ કમાટીબાગમાં આવી હતી. અમે નાસ્તો કરીને જોય ટ્રેન માં એક રાઉન્ડ લીધો હતો.

ત્યારપછી જોય ટ્રેન  પાસે કેન્ટીનમાં નાસ્તો કરી ઘર તરફ જતા હતા ત્યારે પાછળથી જોય ટ્રેન આવતાં અમે જોવા ઉભા રહ્યા હતા. આ વખતે મારી પુત્રી ખદીજાહ ટ્રેન તરફ દોડતાં તેનો પગ એન્જિનમાં આવી ગયો હતો. અમે બૂમો પાડી છતાં ડ્રાઇવરે આગળ જઇને ટ્રેન રોકી હતી.જે દરમિયાન મારી પુત્રીના પેટ પરથી વ્હીલ ફરી વળ્યું હતું અને તેના આંતરડા બહાર નીકળી આવતાં મોત નીપજ્યું હતું.

સયાજીગંજ પોલીસે આ અંગે જોય ટ્રેનના ડ્રાઇવર(જેના નામ-ઠામ જણાવ્યા નથી) સામે હોર્ન નહિ વગાડી અને બૂમો પાડવા છતાં ટ્રેન નહિ રોકી બેદરકારી સેવી બાળકીનું મોત નીપજાવવા બદલ ગુનો નોંધ્યો છે.

પહેલા જ દિવસથી ગુનો નોંધવા માંગણી કરાતી હતી

ખોડલ કોર્પોરેશનના જોય ટ્રેનના ડ્રાઇવરની ધરપકડ

જોય ટ્રેનની અડફેટે આવી ગયેલી ચાર વર્ષીય  બાળકીના પરિવારજનો પહેલા જ દિવસથી ટ્રેનના ડ્રાઇવર સામે ગુનો નોંધવા માટે માંગણી કરતા હતા.પરંતુ પોલીસ પુરાવા તપાસ કરતી હોવાથી ગુનો નોંધતી નહતી.

સયાજીગંજના પીઆઇ ઝેડ એન ધાસુરાએ કહ્યું હતું કે,પરિવારજનો શોકમાં હતા અને તેમના જવાબો લીધા બાદ ડ્રાઇવરની બેદરકારી જણાઇ આવતાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ અંગે જોય ટ્રેનના કોન્ટ્રાક્ટર ખોડલ કોર્પોરેશનના ડ્રાઇવર અશ્વિન ડામોર (પંચમહાલ)ની ધરપકડ કરવામાં આવી છે.