પત્રકાર દિર્ઘાયુ વ્યાસે જિલ્લા બહારની બદલી અટકાવવાનું કહીને પોલીસ પાસેથી પાંચ લાખ પડાવ્યા
પત્રકાર દિર્ઘાયુ વ્યાસે પોલીસને પણ જાળમાં ફસાવી!
હથિયારના લાયસન્સ અને લીકર પરમીટ અપાવવાનું કહીને અનેક લોકો પાસેથી નાણાં લીધા હતાઃ દિર્ઘાયુ વ્યાસે ગુજરાત બહાર નાસી ગયાની આશંકા
અમદાવાદ,સોમવાર
જાણીતા મિડીયા હાઉસના વેબપોર્ટલના પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ બે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ અન્ય ત્રણ ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. બીજી તરફ એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે દિર્ઘાયુ વ્યાસે પોલીસ વિભાગને પણ છોડયુ નહોતુ. તેણે બદલી રોકવા અને સારી જગ્યા પર બદલી કરવાનું કહીને કેટલાંક પોલીસ કર્મીઓ પાસેથી પણ નાણાં લીધા હતા. જેમાં એક પોલીસ કર્મીની જિલ્લા બહારની બદલીને અટકાવી દેવાની ખાતરી આપીને પાંચ લાખ રૂપિયા લીધા હતા. ત્યારે આ અંગે પણ ક્રાઇમબ્રાંચે તપાસ શરૂ કરી છે.
ક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને ૧૦ લાખ રૂપિયા પડાવી લેવાના મામલે દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં તેણે નિકોલમાં પીએસઆઇની ઓળખ આપીને યુવકને લમણે પિસ્તોલ મુકીને અરજી પરત લેવડાવવાનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, દિર્ઘાયુ વ્યાસના કારસ્તાનનો ભોગ બનેલા કેટલાંક લોકો પૈકી સાત થી આઠ જેટલા લોકોએ ક્રાઇમબ્રાંચમાં તેના વિરૂદ્ધ અરજી કરી છે. જેની પ્રાથમિક તપાસ બાદ વધુ ગુના નોંધાઇ શકે છે.
બીજી તરફ ક્રાઇમબ્રાંચને એવી પણ માહિતી મળી છે કે દિર્ઘાયુ વ્યાસે અમદાવાદ પોલીસના કર્મચારીઓને પણ છોડયા નહોતા અને તેણે પોલીસ કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇ સુધીને કર્મીઓની આંતરિક બદલી તેમના પસંદગીના પોલીસ સ્ટેશનમાં થાય અથવા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી બદલીના ઓર્ડરને કેન્સલ કરાવી આપવાનું કહીને પણ નાણાં પડાવ્યા હતા.
આ ઉપરાંત, પોલીસ સ્ટેશનમાં જે તે પોલીસ કર્મીની બદલીના બદલામાં જે કેટલીક નિયમિત આવક શરૂ કરાવી હતી. આમ, દિર્ઘાયુ વ્યાસે પત્રકારના હોદાનો અને તેના મિડીયા હાઉસના નામનો દુરઉપયોગ કરીને પોલીસને પણ છોડી નહોતી. સુત્રોના જણાવ્યા મુજબ તેણે તાજેતરમાં એક આસીસટન્ટ સબ ઇન્સ્પેક્ટરની બદલી જિલ્લા બહાર થતી અટકાવી અપાવવાનું કહીને પાંચ લાખ રૂપિયા લીધા હોવાની ચર્ચા છે. જેમાં તેણે એએસઆઇને સારા પોલીસ સ્ટેશનમાં ગોઠવી આપવાની ખાતરી આપી હતી.
આ ઉપરાંત, તેણે લીકર પરમીટ અને હથિયારના લાયસન્સ કઢાવી આપવાનું કહીને કેટલાંક લોકો પાસેથી વ્યક્તિ દીઠ પાચ લાખ રૂપિયા સુધીની રકમ લીધી હોવાનું જાણવા મળતા ક્રાઇમબ્રાંચે આ દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.