જામનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળા દરમિયાન પાર્કિંગ માટે ડી.સી.સી. ગ્રાઉન્ડ તથા આઈ.ટી.આઈમાં વ્યવસ્થા ગોઠવાઈ
Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં 10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું છે, ત્યારે ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન પાર્કિંગના મુદ્દે પણ મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ડી.સી.સી. હાઈસ્કૂલ પાછળના મેદાનની વિશાળ જગ્યા તેમજ આઈ.ટી.આઈ.નું મેદાન વગેરે સ્થળે પાર્કિંગ કરવા માટેની પણ તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
જામનગરના પ્રદર્શન મેદાનની સામે આવેલું વિદ્યોતેજક મંડળ પરિસરનું વિશાળ ગ્રાઉન્ડ, કે જેમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી તેમજ વિદ્યોતેજક મંડળના પ્રમુખ તથા અન્ય ટ્રસ્ટીગણ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ જામનગર શહેરની જનતાની સુખાકારીના ભાગરૂપે આ મેદાનમાં વહન પાર્કિંગ કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરૂપે ઉપરોક્ત પરિસરમાં આવેલું જુનું બાલમંદિરવાળું બાંધકામ કે જે બિન ઉપયોગી અને જર્જરિત હોવાથી તેને તાત્કાલિક અસરથી ડીમોલેશન કરીને તોડી પાડવામાં આવ્યું છે, અને પાર્કિંગ માટે વિશાળ જગ્યા ખુલ્લી કરી દેવા માટે જમીન સમથળ કરાવવામાં આવી રહી છે.
આગામી દિવસોમાં અહીં લાઈટીંગ કે જેના થાંભલા ફીટ કરી પાર્કિંગની પૂર્તિ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જેથી નગરજનોને મેળામાં આવવા માટે તેમજ પોતાના વાહન પાર્ક કરવા માટેની સુવિધા પ્રાપ્ત થઈ જશે.