Jamnagar Corporation : જામનગરમાં ઓશવાળ સેન્ટર (પાયલોટ બંગલો) થી દિગજામ સર્કલ સુધીના ખોડીયાર કોલોનીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીમાં સીક્સ લેનનો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવી ગયું છે અને આ સ્થળે આશરે 15 કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગની સુવિધાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ આ રોડનું કાર્ય શરૂ થઈ જશે.
પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધી હૈયાત ફોરલેન રોડની પહોળાઈ બંને સાઈડ 7.50 મીટરથી વધારી બંને સાઈડ 11.50 મીટરની થશે. જેથી સમગ્ર પરિવહનમાં ભારે વાહન વ્યવહાર, મધ્ય અને નાના ટુ-વ્હીલર વાહનોને તેની ડેડીકેટેડ લેન મળશે.
ચાલીને જતા રાહદારીઓની સલામતી તથા ડેડીકેટેડ પાથ-વે માટે બંને સાઈડ અલગથી ફૂટપાથની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્યમાં નવા બનાવેલ રોડમાં પાઈપલાઈન, કેબલ, ગેસ જેવી અન્ડરગ્રાઉન્ડ યુટીલીટી માટે બંને સાઈડ અલગથી યુટીલીટી ડકટ (આર.સી.સી.) નું આયોજન કરેલ છે. જેથી રોડને થતું વારંવારનું નુકશાન અટકી શકે. વરસાદી પાણીના નિકાલ માટે બંને સાઈડ સ્ટોર્મ વોટર ડ્રેઈનેજ સીસ્ટમની જોગવાઈ કરવામાં આવી છે.
આમ, સિકસલેન રોડમાં જે સુવિધાઓ કરવામાં આવનાર છે તેમાં મેઈન કેરેજ-વે– 11.50 મીટર બંને સાઈડ, સેન્ટ્રલ લાઈટીંગ ડિવાઈડર-1.00 મીટર પહોળાઈ, યુટીલીટી ડકટ-1.50 મીટર બંને સાઈડ, ફૂટપાથ (રાહદારીઓ માટે)-1.50 મીટર બંને સાઈડ (યુટીલીટી ડકટ ઉપર), સર્વિસ રોડ/પાર્કિંગ-4.50 મીટર બંને બાજુ, આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ, રોડ માર્કિંગ, સાઈનેજીસ તથા રોડ ફર્નીચર અને સેન્ટ્રલ લાઈટીંગનો સમાવેશ થાય છે.
મનપાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપરોક્ત માર્ગનું નિરીક્ષણ કરાયા બાદ તરત જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અને નજીકના ભવિષ્યમાં જ આ સિક્સલેન માર્ગનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે, આશરે એકથી દોઢ વર્ષ બાદ ઉપરોક્ત રોડનું કાર્ય પૂર્ણ થઈ જશે, અને જામનગરની જનતાને ટ્રાફિકમાં હળવાશ થશે, તેવો આશાવાદ મ્યુનિ. કમિશનર ડી.એન.મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.


