જામનગરમાં તળાવની પાળે પાછલા રોડ પર રાત્રે સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે એસ્ટેટ શાખાના રાત ઉજાગરા
Jamnagar : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રાત્રિના સમયે પણ અનેક સ્થળે દબાણો સર્જાતા હોવાથી ગઈકાલે રાત્રિના આઠ વાગ્યા પછી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી.
જામનગરના લાખોટા તળાવની પાળે પાછળના ભાગે કે જ્યાં રાત્રિના સમયે દરરોજ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, જે અંગેની અનેક ફરિયાદો મળ્યા પછી એસ્ટેટ શાખાની ટીમે ગઈકાલે રાત્રે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને ત્યાંથી 6 રેકડી કબજે કરવામાં આવી છે.
ઉપરાંત તે સ્થળે અલગ અલગ ખાણીપીણીના ધંધાર્થીઓ કે જેઓ દ્વારા જાહેર માર્ગ પર ટેબલ ખુરશી બાંકડા સહિતનો અનેક માલ સામાન ખડકી દઈ દબાણ કરવામાં આવ્યું હોવાથી અંદાજે બે ટ્રેકટર ભરીને માલસામાન જપ્ત કરી લેવાયો હતો, અને મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે. આ સમયે ઉપરોક્ત વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
આ ઉપરાંત દિગ્વિજય પ્લોટ શેરી નંબર 61, કે જ્યાં મેઈન રોડ પર એક ફર્નિચરના વેપારી દ્વારા જાહેર માર્ગ પર શોફા, ટેબલ, ખુરશી સહિતનું ફર્નિચર ખડકી દેવાયું હતું, અને મોટા પાયાપર દબાણ કરવામાં આવ્યું હોવાથી એસ્ટેટ શાખા ની ટીમ ત્યાં પણ પહોંચી ગઈ હતી, અને એક ટ્રેક્ટર ભરીને ફર્નિચરનો માલ સામાન જપ્ત કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયો છે.