- જવાબદારોની કામગીરી સામે સવાલો
- નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી કરાય તેવી સ્થાનિકોમાં માગણી
કપડવંજ : કપડવંજ શહેરમાં સુવિધા અને માણેક કોમ્પ્લેક્સની સામે આવેલી જીવનદીપ નસગ હોસ્પિટલ દ્વારા નગરપાલિકાના કાયદાના લીરેલીરા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે. પાલિકા દ્વારા બાંધકામ અટકાવવાની નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં, હોસ્પિટલ સંચાલકો દ્વારા કોઈપણ ડર વગર ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખવામાં આવતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિક રહિશોના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલ દ્વારા પાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ અંગે એક અઠવાડિયા અગાઉ રજૂઆત કરવામાં આવી હતી. આશ્ચર્યજનક રીતે, નગરપાલિકાએ શનિ-રવિની રજાના ઠીક આગળ એટલે કે, શુક્રવારે નોટિસ આપી હતી. હોસ્પિટલ સંચાલકોએ આ રજાના દિવસોનો લાભ ઉઠાવી, પાલિકાની નોટિસની અવગણના કરી બાંધકામ પૂર્ણ કરવાના ઈરાદે કામ ચાલુ રાખ્યું હતું.
ગેરકાયદેસર બાંધકામને કારણે ભવિષ્યમાં ટ્રાફિક અને પાકગની ગંભીર સમસ્યાઓ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે માણેક કોમ્પ્લેક્સની મહિલાઓ અને સુવિધા કોમ્પ્લેક્સના વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, હોસ્પિટલ દ્વારા ખુલ્લેઆમ કાયદાનો ભંગ થઈ રહ્યો છે છતાં તંત્ર મૌન છે.


