Get The App

સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે 1 - image

Gandhinagar News : ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને થઈ છે. માવઠું થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળતાં ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોના મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થયું છે, ત્યારે આજે શુક્રવારે(7 નવેમ્બર, 2025) રાજ્ય સરકારે રૂ.10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલી સહાય પેકેજની વિગતે જાણકારી અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે.

ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા મળશે

રાજ્ય સરકારે ખેડૂતોના પાક નુકસાન સહાય પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતો માટેના રાહત પેકેજની વિગતો જાહેર કરતાં જણાવ્યું કે, 'કમોસમી વરસાદના કારણે રાજ્યના 16,500 ગામોમાં ખેડૂતોને 44 લાખથી વધુ હેક્ટરના વાવેતરમાં નુકસાન થયું છે, જેમાં 9,815 કરોડ રૂપિયાનું પેકેજ છે. જેમાં કોઇપણ ખેડૂત જેને નુકસાન થયું છે તે બાકાત રહેશે નહી. આમ ખેડૂતોને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા બે હેક્ટરની મર્યાદામાં અપાશે.'

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના 16,500 થી વધુ ગામોમાં સર્વેની સૂચનાઓ આપવામાં આવી છે. સર્વેની કામગીરી માટે 51,00 ટીમો કાર્યરત કરવામાં આવી. ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ.22,000ની સહાય મળશે. જેમાં પિયત કે બિન પિયત બાજુમાં રાખીને ખેડૂતોને પાકનુકસાની સહાય ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો: ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર, સમીક્ષા બેઠક બાદ રાજ્ય સરકારનો નિર્ણય

ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર

ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાની બદલ રૂ. 10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. હાલમાં ગુજરાતના ખેડૂતો સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત માવઠાના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે હવે રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનીના વળતર માટે રૂપિયા 10 હજાર કરોડ રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે 9 નવેમ્બરથી ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 15 હજાર કરોડના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની પણ ખરીદી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી.  જણાવી દઈએ કે, રાજ્યમાં કમોસમી વરસાદના લીધે 42 લાખ હેક્ટર માં 16,000 જેટલા ગામોમાં આ વરસાદથી નુકસાન થયું છે.