વેરાવળમાં SMCનો દરોડો, ટેન્કરમાંથી રૂા.44 લાખના દારૂ સાથે ત્રણ ઝડપાયા

હુડકો સોસાયટીમાં વિદેશી દારૂનું કટીંગ ચાલતું હતું
ચાર વાહન અને દારૂ સહિત રૂા.૮પ લાખનો મુદ્દામાલ કબજે, ફરાર 11 આરોપીઓની શોધખોળ
રાજકોટ: ગીર સોમનાથના વેરાવળમાં હુડકો સોસાયટીમાં બાતમીના આધારે એસએમસી (સ્પેશ્યલ મોનિટરિંગ સેલ)એ દરોડો પાડી ત્રણ શખ્સોને રૂા.૪૪.ર૩ લાખની દારૂની ૧૯૩૭પ બોટલ સાથે ઝડપી લઈ ફરાર ૧૧ શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસે દારૂ અને ચાર વાહન સહિત રૂા.૮પ.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વેરાવળમાં દારૂનો વેપલો થતો હોવાની માહિતીના આધારે એસએમસીની ટીમે વેરાવળમાં ધામા નાખ્યા હતા. આજે વહેલી સવારે શહેરની હુડકો સોસાયટીમાં સ્થિત ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી પોલીસે ટેન્કર ઝડપી લીધું હતું. તપાસ કરતાં તેમાંથી રૂા.૪૪.ર૩ લાખની કિંમતના ૧૯૩૭પ વિદેશી દારૂની બોટલ મળી આવતાં પોલીસે રેનીશ કાસમભાઈ કોટડીયા (રહે. ગંગાનગર, જાગનાથ પાર્ટી પ્લોટ સામે, વેરાવળ), પાર્થ ગીરીશભાઈ રૂગાની (રહે. સ્વામિનારાયણ મંદીર પાછળ, વેરાવળ) અને ધર્મેશ નરશીભાઈ ખાપંડી (રહે. કોમ્યુનિટી હોલ સામે, વેરાવળ)ને દારૂ સાથે પકડી લીધા હતા.
પોલીસે દારૂ ઉપરાંત ટેન્કર સહિત ચાર વાહન, પ મોબાઈલ અને ૭૮૦૦ની રોકડ મળી કુલ રૂા.૮પ.૬૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જયારે ફરાર ટેન્કરના ડ્રાઈવર, ટેન્કરના માલીક, અન્ય વાહનના ચાલક, તેના માલીક, જીપના ચાલક, તેના માલીક, સ્કુટર, સ્કુટરના માલીક, દારૂ સપ્લાય કરનાર, રવિ હમીરભાઈ ભારાઈ (રહે. જૂનાગઢ), બહાદુર દિલુભાઈ બાબરીયા (રહે. જૂનાગઢ), જયેશ ઉર્ફે જય મુલીયાસીયા (રહે. જૂનાગઢ)ની શોધખોળ શરૂ કરી છે.
એસએમસીના પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ સહિતની ટીમે દરોડો પાડી આટલા મોટો દારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી લઈ ત્રણેયને પોલીસ મથકે સોંપી ગુનો દાખલ કરાવ્યો હતો. હાલ ફરાર આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

