પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર
Kodram Dairy Scam News: વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે વડગામ તાલુકાના કોદરામ ગામની દૂધ ઉત્પાદક મંડળીમાં એક વિચિત્ર ઘટના બની છે. તેમના કહેવા મુજબ, કેટલાક કોદરામ દૂધ ઉત્પાદક મંડળીના લોકોનું માનવું છે કે મંડળીમાં પંખા ફરવાને કારણે 11 લાખ રૂપિયાની કિંમતનું દૂધ હવામાં ઉડી ગયું. આ અકલ્પનીય ઘટનાની તપાસ કરવા માટે જર્મની અને યુરોપના કેટલાક ટેકનોક્રેટ્સ, એન્જિનિયરો અને વિજ્ઞાનીઓ કોદરામ ગામની મુલાકાત લેવાના હોવાનો વ્યંગાત્મક પ્રહાર કર્યા હતા.
જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે આ ઘટના એટલી આશ્ચર્યજનક છે કે વૈશ્વિક નિષ્ણાતો પણ આકર્ષાયા છે. તેઓ આ ડેરીમાં કયું ગણિત અને કઈ ટેકનોલોજી કામ કરે છે તે સમજવા માટે સ્ટડી કરશે. તેમનો મુખ્ય પ્રશ્ન એ છે કે એવા કયા આધુનિક પંખા છે, જેના ફરવાથી ખેડૂતો અને બહેનોની કાળી મજૂરીથી ઉત્પન્ન થયેલું 11 લાખનું દૂધ ઉડી ગયું અને તેમનો નફો સાફ થઈ ગયો.
જીજ્ઞેશ મેવાણીના મતે, વડગામ ગામની દૂધ ઉત્પાદક મંડળીનો નફો 11-13% છે, જ્યારે મુમનવાસનો નફો 12-13% છે. તેની સામે કોદરામનો નફો માત્ર 6.5% છે. જ્યારે લોકોને આ ઓછા નફાનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે જવાબ મળ્યો કે 'પંખા એવા ફર્યા કે 11 લાખની કિંમતનું દૂધ ઉડી ગયું.'
આ વીડિયોમાં જીજ્ઞેશ મેવાણીએ વડાપ્રધાન અને સરકારને પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે જો 11 લાખનું દૂધ પંખાથી ઉડી શકતું હોય, તો આ ટેકનોલોજીનો ઉપયોગ વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં ભરાયેલા હજારો લીટર પાણીને ઉડાડવા માટે પણ કરવો જોઈએ. તેમણે વિનંતી કરી કે કોદરામની આ અનોખી ટેકનોલોજી દેશની બહાર ન જાય અને તેને સાચવી રાખવામાં આવે.