લગ્ન માટેનું દબાણ કરીને યુવતીએ યુવકને બદનામ કરવાની ધમકી આપી
સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
યુવતી યુવકની આઇટી કંપનીમાં નોકરી કરવા માટે આવી હતીઃ મકાનની લોનના નામે લાખો રૂપિયા પણ પડાવ્યા
અમદાવાદ, શનિવાર
શહેરના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને આઇટી કંપની ધરાવતા યુવકને ત્યાં નોકરી કરતી યુવતીએ યુવક સાથે લગ્ન કરવાનું દબાણ કરીને તેને સોશિયલ મિડીયામાં બદનામ કરવાની ધમકી આપી હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ કેસમાં પોલીસે યુવતી અને તેની માતા વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.
આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે સેટેલાઇટ મહિલા પોલીસ સ્ટેશન પાસે આવેલા સંપતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા ખુશાંક ગોહિલ સેટેલાઇટમાં જ આઇટી કંપની ધરાવે છે. તેમની કંપનીની અન્ય એક શાખા ઝારખંડ જમશેદપુરમાં હતી. જેથી તે નિયમિત રીતે જતા હતા. ફેબુ્રઆરી ૨૦૨૧માં અંજલી ગોસ્વામી (રહે. ધનબાદ, ઝારખંડ) નામની યુવતી નોકરીમાં જોડાઇ હતી અને તે અમદાવાદ રહેવા માટે આવી હતી. તે નિયમિત રીતે ખુશાંકભાઇના પરિવારના સંપર્કમાં હતી અને તેને નિયમિત રીતે પગાર વધારો આપવામાં આવતો હતો. બાદમાં મકાન માટે નાણં લીધા હતા. પરંતુ, સારી રીતે કામ ન કરતી હોવાથી તેને નોકરીમાંથી છુટી કરી હતી. ત્યારબાદ પણ તે નાણાંની માંગણી કરતી હતી. થોડા સમય બાદ અંજલીએ લગ્ન કરવાનું કહેતા ખુશાંકભાઇએ ના પાડી હતી. જેથી અંજલી અને તેની માતા સરીતા દ્વારા સોશિયલ મિડીયામાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી. જે અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.