Get The App

ઝાલાવાડામાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ઝાલાવાડામાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત 1 - image

- સુરેન્દ્રનગર જિલ્લામાં 3 દિવસથી ઠંડીનો ચમકારો 

- તાપમાનનો પારો ગગડીને 10 ડિગ્રી આસપાસ રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા, પશુ- પક્ષીઓની મુશ્કેલભરી સ્થિતિ  

સુરેન્દ્રનગર : ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠંડીનું જોર વધ્યું છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. તાપમાનનો પારો ગગડીને અંદાજે ૧૦ ડિગ્રીની નીચે જતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા અને રણ વિસ્તારમાં પણ ઠંડીના કારણે અગરિયાઓની હાલત કફોડી બની હતી. 

 કમોસમી વરસાદની આગાહી તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડયો છે. જેની અસર ઝાલાવાડમાં પણ જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં સરેરાશ અંદાજે ૧૦ કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાતા લઘુત્તમ તાપમાનમાં પણ ૫થી ૬ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો અંદાજે ૧૦ ડિગ્રી આસપાસ નોંધાતા લોકો ઠંડીથી ઠુઠવાયા છે અને તેમાં ખાસ કરીને વહેલી સવારે ભારે ઠંડીના કારણે ભેજ અને ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝીબીલીટી ડાઉન થતા અનેક વાહન ચાલકોને પણ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. જયારે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાતા લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. 

તેમજ મોડી સાંજે પણ ઠંડીનું જોર વધતા શહેરની બજારો સૂમસામ બની જાય છે અને રાત પડતા તો કર્ફ્યૂ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ગરમીથી બચવા તાપણું, સ્વેટર, જાકીટ, મફ્લર, ટોપી પહેરીને ફરતા નજરે પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં ઝાલાવાડવાસીઓને ઠંડીનો વધુ માર સહન કરવાનો વારો આવશે તેમ લાગી રહ્યું છે.

 સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા અને ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ રણ વિસ્તારના હજારો અગરિયાઓ મીઠું પકવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રણમાં મીઠું પકવવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે આથી મોટાભાગના અગરિયાઓ હાલ રણમાં જ પરિવાર સાથે વસવાટ કરે છે. ત્યારે ઠંડીના પ્રકોપ સામે અગરિયાઓ પણ લાચાર બની ગયા છે અને રણ વિસ્તારમાં તાપમાનનો પારો ગગડીને અંદાજે ૧૦ ડિગ્રીથી પણ નીચે થઈ જતા સૌથી વધુ ઠંડી સહન કરવાનો વારો અગરિયાઓને આવ્યો છે અને કુદરત સામે સહન કરવા સિવાય કોઈ રસ્તો ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.