Get The App

નિવૃત આરએફઓ કાકીની મરણ વિધિમાં ગયા અને ઘરમાં 8 લાખની ચોરી , 10 તોલા દાગીના ઉઠાવીને ચોરો ફરાર

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
નિવૃત આરએફઓ કાકીની મરણ વિધિમાં ગયા અને ઘરમાં 8 લાખની ચોરી , 10 તોલા દાગીના ઉઠાવીને ચોરો ફરાર 1 - image


Vadodara Theft Case : વાઘોડિયામાં નિવૃત્ત આરએફઓના મકાનમાં ચોરો રૂપિયા 8 લાખ કિંમતના સોનાના દાગીના ઉઠાવી ગયા હતા. વન ખાતાના નિવૃત્ત અધિકારી તેમની કાકીની મરણ વિધિમાં વડોદરા ગયા ત્યારે ચોરીની ઘટના બની હતી. 

વાઘોડિયામાં બજાર ચોક વિસ્તારમાં દ્વારકાધીશ મંદિર પાસે રહેતા જીતેન્દ્રકુમાર જયંતીલાલ કાશીવાલાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે નિવૃત્ત થયા બાદ નિવૃત્તિનું જીવન જીવું છું. તા.11ના રોજ મારા મોટા કાકી લીલાબેનનું વડોદરામાં જુના પાદરા રોડ ખાતે અવસાન થતાં તે દિવસે બપોરે હું અને મારા પત્ની શકુંતલાબેન બંને ઘર બંધ કરીને વડોદરા ગયા હતા.

 જે તે દિવસે સંબંધીઓ ભેગા ન થતાં અગ્નિસંસ્કાર થયા ન હતા જેથી હું અને પરિવારના સભ્યો મારા કાકાના ઘેર જ રોકાઈ ગયા હતા. તા.12ના રોજ બીજા દિવસે સવારે કાકીની વડીવાળી સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર વિધિ થયા બાદ પણ રાત્રે અમો ધાર્મિક વિધિમાં કાકાના ઘેર રહ્યા હતા અને તા.13ના રોજ સવારે અસ્થિ વિસર્જન માટે ચાણોદ ગયો હતો. 

દરમ્યાન વડોદરા ખાતે રહેતો મારો પુત્ર પ્રિયેશ તેના ક્લિનિક પર વાઘોડિયા આવ્યો હતો અને બપોરે જમવા માટે વાઘોડિયા ખાતે ઘેર ગયો ત્યારે ઘરના દરવાજાનું તાળું તેમજ ઘરની અંદર મૂકેલી બે તિજોરીના તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડેલો હતો. આ ઘટનાની જાણ મને મારા પુત્રએ કરતા હું ચાણોદથી વાઘોડિયા આવ્યો હતો ત્યારે જાણ થઈ કે મારા પત્ની અને પુત્રવધુ દિપાલીના રૂ.8,00,000 કિંમતના 10 તોલા વજનના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :