Gujarat

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ

By GS TEAM
24 Mar 20263 mins read
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ

વડોદરા,છેલ્લા ૭ વર્ષમાં વડોદરાની બેન્કોના લોકરોમાં મૂકેલા ૧.૭૫ કિલો વજનના  દાગીના ગુમ થવાની પાંચ ઘટના બહાર આવી છે. એક તોલા  સોનાની સરેરાશ કિંમત દોઢ લાખ ગણીએ તો ૨.૬૨ે કરોડ રૃપિયાના દાગીના ગાયબ થઇ ગયા છે. ગ્રાહક કહે છે કે, અમારા દાગીના ગુમ થયા છે, જ્યારે બેન્ક એ વાત માનવા તૈયાર નથી.

ચોર,લૂંટારાઓથી કિંમતી દાગીના બચાવવા માટે લોકો બેન્કમાં લોકર ખોલાવે છે. દાગીનાની સાચવણી માટે સૌથી સલામત ગણાતા બેન્ક લોકરમાંથી પણ દાગીના ગુુમ થવાની ઘટના બને છે.  ગ્રાહક કહે છે કે, મારા દાગીના ગુમ થયા છે. જ્યારે બેન્ક અધિકારી લોકર અંગે પોલીસને તેમજ ગ્રાહકને એક જ જવાબ આપે છે કે,  લોકરની એક ચાવી ગ્રાહક પાસે રહે છે. બીજી ચાવી બેંક પાસે રહે છે. બંને ચાવીથી જ લોકર ઓપરેટ થાય છે. એક ચાવીથી લોકર ઓપરેટ થતું નથી. આવા સંજોગોમાં લોકરમાંથી દાગીના ગુમ થવાની શક્યતા નથી.

પોલીસ પણ આવી થિયરી પર વિશ્વાસ કરી તપાસ પડતી મૂકે છે અને અરજી ફાઇલ કરે છે.  પરંતુ, આવી ઘટનાની એક ફરિયાદ મકરપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ - ૨૦૧૯ માં નોંધાઇ હતી. જે ફરિયાદમાં નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી થઇ છે.જે હજી પેન્ડિંગ હોવાનું દાગીના ગુમાવનાર ગ્રાહક કહે છે. જોકે, મકરપુરા પોલીસે આ કેસમાં એ સમરી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી હાલ પૂરતી તપાસ અભરાઇ  પર ચઢાવી દીધી છે. 


ઇન્ડસઇન્ડ બેન્કના બે લોકરમાંથી દાગીના ગુમ થયા હતા

વર્ષ - ૨૦૧૯ માં પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ કોઇ આરોપી મળ્યો નથી

વડોદરા,

તરસાલી સોમનાથ પાર્ક સોસાયટીમાં રહેતા રિતેશભાઇ ગઢિયાએ વર્ષ -  ૨૦૧૯માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઇન્ડસઇન્ડ બેંકના લોકરમાંથી મારા ૧૯.૫૦ તોલા  સોનાના દાગીના ચોરી  થયા છે. આ જ ફરિયાદમાં અન્ય એક ગ્રાહક જય પંચાલે પણ બેંકના લોકરમાંથી ૯ તોલા વજનના દાગીના ગુમ થયાની હકીકત જણાવી હતી. જે  ફરિયાદમાં હજી કોઇ આરોપી પકડાયા જ નથી.



ટેક્સ કન્સલ્ટન્ટના ૫૦ તોલા વજનના દાગીના ગુમ થયા હતા

વડોદરા,

 લાલબાગની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો  પણ આવો એક  કિસ્સો હતો. જેમાં માંજલપુરની દેવર્ષિ પાર્ક સોસાયટીમાં રહેતા ટેક્સ કન્સલ્ટન્ટ ભરત મણીલાલ સ્વામીના લોકરમાંથી સોનાના ૫૦ તોલા  દાગીના ગુમ થયા હતા. જે અંગે પણ તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  વર્ષ - ૨૦૨૨ માં અરજી આપી હતી. 


દીકરીના લગ્નમાં આવેલા એન.આર.આઇ.એ લોકર ખોલ્યું તો દાગીના ગાયબ

 વડોદરા,

વાઘોડિયા રોડની પારૃલ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ શાહ હાલ અમેરિકા સ્થાયી થયા છે. ગત ફેબુ્રઆરી મહિનામાં તેઓ વડોદરા દીકરીના લગ્ન પ્રસંગે આવ્યા હતા. તેઓ વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાં મૂકેલા દાગીના લેવા ગયા ત્યારે જાણ થઇ કે, તેમના લોકરમાંથી સોનાના દાગીના ગુમ થઇ  ગયા છે. પણ ચાંદીના દાગીના  લોકરમાં યથાવત્ હતા.  આ અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેની તપાસ હજી ચાલુ છે.

સિનિઅર સિટિઝન મહિલાના ૬૨ તોલાના દાગીના ગાયબ

વડોદરા,

વારસિયા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના મહિલાએ વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, તેમના વારસિયા રિંગ રોડની સ્ટેટ બેન્કના લોકરમાંથી ૬૨ તોલા વજનના દાગીના ગાયબ થઇ ગયા છે. આ અરજીની તપાસ હજી ચાલુ છે. જેમાં સહી અંગે શંકા ઉપજે છે. ફરિયાદીએ સહીના નમૂના એફ.એસ.એલ.માં મોકલી ચકાસણી કરવાની માગણી કરી છે.