ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી
વડોદરાઃ અલકાપુરી વિસ્તારમાં રહેતા એક ડોક્ટર દંપતીના મકાનમાં સાડા ચારેક કલાકના ગાળામાં ત્રાટકેલા ચોરો રૃ.૧૫ લાખ ઉપરાંતના દાગીના ચોરી ગયા હોવાનો બનાવ બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અરૃણોદય સોસાયટીમાં રહેતા ડો.પ્રિતિ કામથે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૩૦મીએ રાતે ૮.૩૦ વાગે હું એલવીપી પર ગરબા જોવા ગઇ હતી અને મારા પતિ ડો.નાગેશ કામથ પણ હોસ્પિટલમાંથી સીધા ત્યાં આવ્યા હતા.
રાતે ૧ વાગ્યાના અરસામાં ગરબામાથી ઘેર પહોંચ્યા ત્યારે રસોડાની સામેના રૃમના દરવાજાના બારણાનો ઉપરનો ભાગ તૂટેલો જણાતાં શંકા પડી હતી.ઉપરના રૃમમાં જોતાં કબાટના ડ્રોઅરમાં મુકેલા દાગીનાના ત્રણ ડબ્બામાંથી એક જ ડબ્બો હતો અને તે પણ ખાલી હતી.
તપાસ કરતાં ચોરો સોના અને ડાયમંડના સાડા દસ તોલાથી વધુના દાગીના મળી રૃ.૧૫ લાખથી વધુની મત્તા ચોરી ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી સયાજીગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.