વારસિયાના મકાનમાંથી ૧.૯૬ લાખના દાગીનાની ચોરી

વડોદરા,વારસિયા દેવનારાયણ ટાવરમાં રહેતા પરિવારના ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી ૧.૯૬ લાખની ચોરી થઇ હતી. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વારસિયા ધોબી તળાવ પાસે દેવીનારાયણ ટાવરમાં રહેતા વિનય લાલભાઇ રૃગવાણીની મંગળબજારમાં દુકાન છે.તેમણે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા માતાએ ઘરમાં કિંમતી સામાન સોના ચાંદીના દાગીના એક બેડરૃમમાં લાકડાના ફોલ્ડિંગ બેડમાં સ્ટીલના ડબામાં મૂક્યા હતા. આ સામાન ગત ૮ મે ના રોજ બપોરે જોયો હતો. ત્યારબાદ તેની જરૃર નહીં હોવાથી ચેક કર્યો નહતો. ગત ૨૧ મી તારીખે સાંજે અમે પરિવારના સભ્યો ઘરે હતા. મારા સંબંધીઓ પણ ઘરે આવ્યા હોઇ અમે બધા બેડરૃમમાં બેઠા હતા. થોડાસમય પછી મહેમાન જતા રહેતા અમે બધા બેડરૃમમાં બેઠા હતા. સાંજે સાડા સાત વાગ્યે મારા માતાને એક ડોક્યુમેન્ટની જરૃર હોવાથી તેઓ બેડરૃમમાં ગયા હતા અને મને બોલાવ્યો હતો. ફોલ્ડિંગ બેડ ઉંચો કરીને જોતા દાગીના ભરેલા ડબાની અંદર મૂકેલા પાકીટ વેરવિખેર હતા. દાગીનાની ચોરી થઇ ગઇ હતી. ચોર ટોળકી સોના અને ચાંદીના દાગીના મળી કુલ ૧.૯૬ લાખની મતા ચોરી ગઇ હતી.









