Get The App

વારસિયામાં જૂના ઝઘડાની અદાવતે જીપ સળગાવી દીધી

આજુબાજુની બે કાર પણ સળગી ગઇ : પોલીસે ગુનો દાખલ કર્યો

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
વારસિયામાં જૂના  ઝઘડાની અદાવતે  જીપ સળગાવી દીધી 1 - image

 વડોદરા,વારસિયામાં જૂના ઝઘડાની અદાવત રાખી કોમન  પ્લોટમાં પાર્ક કરેલી કાર જ્વલનશીલ પ્રવાહી છાંટીને સળગાવી  દેવામાં આવી હતી. એકસાથે ત્રણ કારમાં આગ લાગવાની ઘટના અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના પગલે બૂટલેગરો વચ્ચે ગેંગવોરના ભણકારા વાગી  રહ્યા છે.

વારસિયાની સાંઇબાબા નગર સોસાયટીમાં રહેતા મનિષ ઉર્ફે માનવ  રાજકુમાર કારડાએ વારસિયા પોલીસ  સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ ઇન્દ્રકુમાર સચદેવને વારસિયા સંતકંવર કોલોનીમાં રહેતા  હિમાંશુ ઉર્ફે  હેરી રમેશકુમાર લુધવાણી સાથે અદાવત ચાલતી હોઇ અવારનવાર મારા મિત્ર ધર્મેશ સાથે હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી ઝઘડો  કરતો હતો. મારો મિત્ર ધર્મેશ ઉર્ફે ગોલુ હાલમાં ગુજસીટોક હેઠળ જેલમાં  છે. ત્રણ મહિના પહેલા  હું વારસિયા તિવારીની ચાલી નજીકથી મારા ટુ વ્હિલર પર જતો હતો. તે દરમિયાન બાકડા પર હિમાંશુ ઉર્ફે  હેરી તેના મિત્ર વિવેક ઉર્ફે બન્ની કેવલાણી સાથે બેઠો હતો. તેઓએ મને રોકી મારી સાથે ઝઘડો કર્યો હતો.

ગઇકાલે હું તથા મારા મિત્ર દર્શન, વિરેન તથા રાહુલ મારી જીપ લઇને ભાવનગરના રાજપરા ગામે ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને રાત્રે સાડા અગિયાર વાગ્યે અમે ઘરે પરત આવ્યા હતા. સોસાયટીના કોમન  પ્લોટમાં જીપ પાર્ક કરી અમે ઘરે જઇને સૂઇ ગયા હતા. રાત્રે બે વાગ્યે પાડોશીએ આવીને જાણ કરી કે, તમારી ગાડીમાં આગ લાગી છે. અમે  જોવા ગયા ત્યારે મારી જીપ, તથા સોસાયટીમાં રહેતા કલ્પેશ મનિષભાઇ પરમારની કાર તથા મિતેશ મોતીરામ દૂધાણીની કારમાં આગ લાગી હતી.  ફાયર બ્રિગેડે આવીને આગ બુઝાવી હતી. પોલીસનું કહેવું છે કે, ફરિયાદી અને આરોપીઓ સામે અગાઉ દારૃના કેસ નોંધાયા છે.