JEE 2026 Exam in Ahmedabad: એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ માટેની JEE Main 2026 પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21મી જાન્યુઆરીથી શરુક્સ થઈ રહેલી આ પરીક્ષાના સંચાલન માટે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા ખાસ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે.
પરીક્ષાનું સંપૂર્ણ ટાઇમ ટેબલ અને શિફ્ટ
JEE 2026 પરીક્ષા બે તબક્કામાં યોજાશે.
• પરીક્ષાની તારીખ: 21, 22, 23, 24, 28 અને 29મી જાન્યુઆરી 2026.
• પ્રથમ શિફ્ટ: સવારે 9:00થી બપોરે 12:00 કલાક સુધી.
• બીજી શિફ્ટ: બપોરે 3:00થી સાંજે 6:00 કલાક સુધી.
• 29મી જાન્યુઆરીના રોજ પેપર-2 માટે સવારની શિફ્ટનો સમય 9:00થી 12:30 સુધીનો રહેશે.


પોલીસ કમિશ્નરના જાહેરનામાના મુખ્ય મુદ્દા
પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી શહેર પોલીસ કમિશ્નરે કડક આદેશો આપ્યા છે. જેમાં નીચેના મુદ્દા મુખ્ય છે.
• પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ મનાઈ છે.
• કેન્દ્રોની આસપાસની તમામ ઝેરોક્ષની દુકાનો પરીક્ષા દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
• વિદ્યાર્થીઓની એકાગ્રતા જળવાઈ રહે તે માટે લાઉડ સ્પીકર કે મોટા અવાજમાં સંગીત વગાડવા પર રોક લગાવવામાં આવી છે.
• પરીક્ષા કેન્દ્ર પાસે બિનજરૂરી ટોળા વળવા કે ભીડ એકઠી કરવા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ એક કલાક વહેલા આવવા સૂચના
NTA દ્વારા જણાવ્યાનુસાર, વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્ર પર નિર્ધારિત સમય કરતાં એક કલાક વહેલા પહોંચવાનું રહેશે. એડમિટ કાર્ડ સાથે માન્ય ઓળખપત્ર રાખવું અનિવાર્ય છે. કોઈપણ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ કે પ્રતિબંધિત વસ્તુઓ કેન્દ્રની અંદર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


