આણંદ કલેક્ટર કચેરીમાંથી ગૂમ ફાઈલ ફાડીને નિકાલ કરી દીધો હોવાની જે.ડી. પટેલની પોલીસ સમક્ષ કબૂલાત

- બોરસદની 168 ગુંઠા હિજરતી નવી શરતની જમીનની ફાઈલનો મામલો
- ફરજ મોકૂફ નાયબ મામલતદાર જે.ડી. પટેલના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયો : સરકારને આર્થિક નુકસાન થવાથી ફરિયાદ નોંધાઈ હતી
બોરસદ ખાતે આવેલી અંદાજે ૧૬૮ ગુઠા જેટલી હિજરતી જમીનોને તત્કાલીન નાયબ મામલતદાર જે. ડી. પટેલ અને નિવાસી અધિક કલેકટર કેતકીબેન વ્યાસે બિન ખેતીમાં ફેરવી હોવા અંગે બોરસદના એક અરજદારે આરોપ સાથે ૨૦૨૩માં નાયબ મામલતદારને રજૂઆત કરી હતી. જે અંગે મહેસુલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગને પણ નકલ મોકલવામાં આવતા તપાસમાં સરકારને મોટું આથક નુકસાન થયું હોવાનું બહાર આવ્યું હતું. નવી શરતની જમીન હોવા છતાં બીન ખેતી કરી હોવાની રજૂઆત મળતા સરકારને આથક નુકસાન થયેલ છે કે કેમ તેની પ્રાથમિક તપાસ દરમિયાન ફાઈલ મળી આવી નહોતી અને કોઈ સરકારી કર્મચારી દ્વારા સરકારને મોટું નાણાકીય નુકસાન થતું હોય જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઇરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઈલ મેળવી ગુમ કરવામાં આવી હોવાનું જણાતા આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
સમગ્ર મામલાની તપાસ આણંદ એલસીબી પોલીસને સોંપવામાંઆવતા પોલીસે આ ફાઈલ રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારીએ તારીખ ૨૧ માર્ચ ૨૦૨૩ના રોજ ફાઈલ મુવમેન્ટ રજીસ્ટરમાં ખોટી રીતે સહી કરી ફાઈલ મેળવી બાદમાં ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહીં કરી હોવાનું જાણવા મળ્યું હતું અને ફાઈલ જે તે વખતે કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે ડી પટેલ ( હાલ ફરજ મોકૂફ) એ મંગાવી હોવાનું જાણવા મળતા પોલીસે જે ડી પટેલની ધરપકડ કરી ૧ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે રિમાન્ડ પૂરા થતા પોલીસે જે. ડી. પટેલને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલમાં મોકલવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.
બોરસદ પાલિકાના તત્કાલિન અને હાલના ચીફ ઓફિસર્સ વિરૂદ્ધ તપાસ કરવા સૂચના
બોરસદ પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા તથા હાલના ચીફ ઓફિસર વિરાજ શાહની પણ આ જમીન પ્રકરણમાં સંડોવણી હોવાના પુરાવા રજૂ કરીને તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા અંગે પ્રાદેશિક કમિશનર વડોદરાને રજૂઆત કરાઈ હતી. જે સંદર્ભે પ્રાદેશિક કમિશનરે અરજદારને ૯-૬-૨૦૨૫ના રોજ તેમની અરજીના સંદર્ભે અધિક કલેક્ટર આણંદને તપાસ કરવા પ્રાદેશિક કમિશનરે સૂચના આપી છે.
આ મામલામાં અન્ય કોઈની સંડોવણી ન હોવાનું રટણ : એલસીબી પીઆઈ
આ અંગે એલસીબી પીઆઇ એચ. આર. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કલેકટર કચેરીની રેકર્ડ શાખામાંથી ફાઈલ ગુમ થવાના મામલામાં જે ડી પટેલને જેલમાં મોકલવામાં આવ્યો છે. રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરતા આ ફાઈલ તેણે ફાડીને નાખી દીધી હોવાનું અને નિકાલ કરી દીધો હોવાનું જણાવ્યું હતું. જોકે પુરાવાના નાશ અંગેની કલમ પહેલેથી જ ફરિયાદમાં ઉમેરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે સાથે ફાઈલ ગુમ કરવાના મામલામાં અન્ય કોઈની સંડોવણી ન હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.









