Get The App

ચોટીલા-થાન રોડ અને જામવાળી વિસ્તારમાં 20 જેટલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફેરવી દીધું

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
ચોટીલા-થાન રોડ અને જામવાળી વિસ્તારમાં 20 જેટલા ગેરકાયદે દબાણ પર જેસીબી ફેરવી દીધું 1 - image


ચોટીલાના પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો

હોટલ, ટી-સ્ટોલ સહિતના ગેરકાયદે દબાણ દૂર કરાયા : સરકારી જમીન પર બનેલો વે-બ્રીજ અને ૧૫ દુકાનો પર જેસીબી ફેરવી દીધું

સુરેન્દ્રનગર: ચોટીલા-થાન રોડ તેમજ જામવાળી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ગેરકાયદેસર દબાણો પર તવાઈ બોલાવી છે. તંત્રની ટીમે ગેરકાયદે હોટલ, ટી-સ્ટોલ, પંચરનું કેબીન, ઓરડી, પાણીનો બોર તેમજ સરકારી જમીન પરનો વે-બ્રિજ અને ૧૫ ગેરકાયદેસર દુકાનો પર જેસીબી ફેરવી દીધુ હતું. તંત્રની ટીમે ગેરકાયદે દબાણ કરનાર છ શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બે શખ્સો ગેરકાયદે ખનીજ સંપત્તિનું ખનન, વહન તેમજ વેચાણ કરતા હોવાનું સામે આવતા બંને સામે વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

ચોટીલા-જામવાળી રોડ પર કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદે બાંધકામ કરી હોટલો સહિતના દબાણો કરવામાં આવ્યા છે. તેવી ફરિયાદોને ધ્યાને લઈ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા તેમજ થાન મામલતદાર સહિતની ટીમે ચોટીલા જામવાળી રોડ પર ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 

જેમાં માલધારી ટી સ્ટોલ, અવલીયા ઠાકર હોટલ, એક પંચરનું કેબીન, એક ઓરડી, પાણીનો બોર સહિતના પાકા દબાણો જેસીબી વડે તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી જમીનમાં ગેરકાયદે રીતે બનાવેલા અવલીયા વે બ્રીજને પણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું. બાંધકામ દૂર કરવા મફાભાઈ જગાભાઈ અલગોતરને અગાઉ નોટીસ પાઠવી હતી પરંતુ નોટિસ મુજબ ત્રણ દિવસમાં દબાણ દુર કરવામાં ન આવતા જેસીબીની મદદથી તમામ ૬ જેટલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત થાન તાલુકાના જામવાળી ગામની સરકારી જમીનમાં ચોટીલા-થાન રોડ ઉપર આવેલ ૧૧ અને અન્ય વિસ્તારની ૪ દુુકાનો સહિત કુલ ૧૫ જેટલી ગેરકાયદેસર દુકાનોનું બાંધકામ પણ જેસીબીની મદદથી તોડી નાંખવામાં આવ્યું હતું તેમજ ગેરકાયદેસર દબાણ કરનાર ૬ શખ્સો ભનુભાઈ દાનાભાઈ અલગોતર, વાઘાભાઈ દાનાભાઈ અલગોતર, રણુભાઈ દાનાભાઈ અલગોતર, ભીખુભાઈ દાનાભાઈ અલગોતર, વિજયભાઈ રણુભાઈ અલગોતર અને  નવઘણભાઈ દાનાભાઈ અલગોતર (તમામ રહે.જામવાળી તા.થાન) સામે કાયદેની કાર્યવાહી હાથ ધરી છે. 

૬ શખ્સો પૈકી રણુભાઈ અને વિજયભાઈ દ્વારા થાનના જામવાળી વિસ્તારમાં અલગ-અલગ ખાનગી તેમજ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપત્તિનું ખનન અને વહન તેમજ વેચાણ કરતાં હોવાનુું સામે આવતા બંને વિરૂધ્ધ વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકારી મિલ્કતને નુકસાન કરી ગેરકાયદે બાંધકામ કરનાર વ્યક્તિઓ પાસેથી દબાણો દૂર કરવામાં થયેલો ખર્ચ વસુલવામાં આવશે. થાન તાલુકાના જામવાળી વિસ્તારમાં તંત્રનું જેસીબી ફરી વળતાં ગેરકાયદે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Tags :