Get The App

દુધરેજ કેનાલ નજીક ગુનેગારની ગેરકાયદેસર હોટલ પર જેસીબી ફરી વળ્યું

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
દુધરેજ કેનાલ નજીક ગુનેગારની ગેરકાયદેસર હોટલ પર જેસીબી ફરી વળ્યું 1 - image


- સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી

- અંદાજે પાંચ વર્ષથી નર્મદા વિભાગની જગ્યામાં  હોટલ ધમધમતી હતી : તંત્રએ આખરે મુહૂર્ત કાઢ્યું

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર અને ૫કા દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવાઈ રહ્યું છે અને પાકા દબાણો દુર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે સ્થાનીક તંત્રના અલગ-અલગ વિભાગોની ટીમ દ્વારા દુધરેજ નર્મદા કેનાલ પર બનાવેલ ગેરકાયદે 'ક્રિષ્ના કાફે એન્ડ રેસ્ટોરેન્ટ' હોટલ તોડી પાડવાની કામગીરી હાથધરવામાં આવી હતી.

દુધરેજ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પર છેલ્લા ચાર-પાંચ વર્ષ કરતા પણ વધુ સમયથી ગેરકાયદે બાંધકામ કરી 'ક્રિષ્ના કાફે એન્ડ રેસ્ટોરેન્ટ' હોટલ બનાવવામાં આવી હતી. જે અંગે તંત્ર દ્વારા દબાણ તેમજ બાંધકામ કરનાર હોટલના માલિક સહિત સંચાલકને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. તેમ છતાં ગેરકાયદે દબાણ દુર કરવામાં ન આવતા અંતે સ્થાનિક પોલીસ ટીમ, સીટી મામલતદાર સહિતની ટીમ અને મનપા તંત્ર તેમજ નર્મદા વિભાગના અધિકારીઓની હાજરીમાં જેસીબી વડે ગેરકાયદે હોટલ તોડી પાડવામાં આવી હતી. 

દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શખ્સ દ્વારા ગેરકાયદેસર હોટલ બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી નર્મદા વિભાગની જગ્યામાં આ ગેરકાયદે હોટલ ચાલી રહી હતી ત્યારે તંત્રને ક્યું મુહૂર્ત જોવાનું હતું તેવી લોકમુખે ચર્ચા થઇ રહી હતી.

Tags :