જયસ્વાલ કુંટુંબનું રૃા.૧.૬૨ કરોડનું ૧ કિલો ૧૭૫ ગ્રામ સોનું સિઝ કરી દેવાયું
સોમા તળાવ ખાતેની બેંકમાં ૧૧૭૫ ગ્રામ સોનું ગીરવી મૂકીને રતનપુરના પરિવારે ગોલ્ડ લોન લીધી હતી

વડોદરા, તા.19 વડોદરા જિલ્લાના રતનપુર ખાતેના નામચીન બૂટલેગર જયસ્વાલ કુંટુંબના સભ્યોએ દારૃના ધંધા બાદ મોટા જથ્થામાં પ્રોપર્ટી તેમજ સોનામાં રોકાણ કર્યુ હોવાનું ગુજસીટોકના ગુનાની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. આ કુંટુંબના સભ્યોએ ૧૧૭૫ કિલો સોનું ગીરવી મૂકીને બેંકમાંથી લોન લીધી હોવાનું બહાર આવતા પોલીસે રૃા.૧.૬૨ કરોડનું સોનું ફ્રિઝ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસે રતનપુર ગામના રાકેશ ઉર્ફે લાલા રજનીકાન્ત જયસ્વાલ તેની પત્ની સીમા, પુત્ર સચિન, ભાઇ હિતેશ ઉર્ફે પપ્પુ અને તેઓની સાથે દારૃના ધંધામાં કામ કરતા રાજેશ ઉર્ફે ખન્ના સામંતભાઇ બારીયા સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી તમામની ધરપકડ કરી સીમાને બાદ કરતા અન્ય ચાર આરોપીઓના તા.૨૭ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ગુજસીટોકની તપાસ કરતા ડભોઇના ડીવાયએસપી તેમજ સિટ દ્વારા જયસ્વાલ કુંટુંબની મિલકતો શોધવાની કવાયત પણ હાથ ધરવામાં આવી છે. દરમિયાન જેલમાં ધકેલી દેવાયેલી રાકેશ ઉર્ફે લાલાની પત્ની સીમાનો સિટે જેલમાંથી કબજો મેળવ્યો હતો અને તેને સાથે રાખી બેંકોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં યુનિયન બેંક તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આ કુંટુંબના પાંચ એકાઉન્ટો મળ્યા છે જ્યારે અન્ય બેંક એકાઉન્ટો માટેની તપાસ ચાલું છે. હાલ દિવાળીની રજાઓ હોવાથી તપાસ મંદ ગતિએ ચાલી રહી છે.
સોમા તળાવ વિસ્તારમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જયસ્વાલ કુંટુંબ દ્વારા ૧ કિલો અને ૧૭૫ ગ્રામ સોનું ગીરવી મૂક્યું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે રૃા.૧.૬૨ કરોડ કિમતનું સોનું સિઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન એક લોકર પણ હોવાનું જાણવા મળ્યું છે આ લોકરની વિગતો બેંકો ખૂલ્યા બાદ જાણવા મળશે. પોલીસે કહ્યું હતું કે જયસ્વાલ કુંટુંબના આર્થિક વ્યવહારો તેમજ મિલકતોની તપાસ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટની પણ મદદ લેવામાં આવશે.
પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ,ઓટો શોરૃમ પાંચ મકાનો અને તબેલામાં ઝડતી
દારૃના ધંધા બાદ વસાવેલી મિલકતો અને બેંક એકાઉન્ટોમાં તપાસ
વડોદરા-ડભોઇરોડ પર આવેલી રતનપુરના નામચીન બૂટલેગર જયસ્વાલ કુંટુંબના સભ્યો સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયા બાદ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૃના ધંધા બાદ વસાવેલી મિલકતોની તપાસ પણ શરૃ કરી દીધી છે.
પોલીસે જણાવ્યું હતું કે રતનપુર પાસે જ સ્ટેટ હાઇવે પર સચિન નાયરા પેટ્રોલપંપ, સચિન રેસ્ટોરન્ટ, સચિન ઓટો પ્લાઝા શોરૃમ તેમજ તેમના પાંચ મકાનો અને એક તબેલામાં દરોડો પાડીને ઝડતી કરવામાં આવી હતી.