- કલેક્ટરની પાલિકા અને આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક
- અસરગ્રસ્ત વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ, 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ગટરના પાણી ભળ્યાં
બાલાસિનોર : બાલાસિનોરમાં કમળાના રોગચાળાએ કહેર મચાવ્યો છે. ગંભીર સ્થિતિ નિર્માણ પામતા આખરે મહિસાગર જિલ્લા કલેક્ટર બાલાસિનોર ખાતે દોડી આવ્યા હતા. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ નગરપાલિકા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી સત્વરે જરૂરી પગલાં લેવા તાકિદ કરી હતી. બીજી તરફ લોકોમાં રોગચળો વધુ ન ફેલાય તે માટે ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
બાલાસિનોરમાં આમ તો ગત ઓક્ટોબર માસથી જ કમળાના કેસ સામે આવવાના શરૂ થઇ ગયા હતા. આમછતાં આરોગ્ય વિભાગ અને નગર પાલિકા તંત્રએ મામલાને હળવાશથી લઇને બેદરકારી દાખવતા હવે જોખમી હાલત નિર્માણ પામી છે. ડિસેમ્બર મહિનાના હજી તો માંડ ૨૧ દિવસ થયા છે, ત્યાંજ કમળાના દર્દીઓનો આંકડો ૨૯૯ સુધી પહોંચી ગયો છે. દરમિયાનમાં મહિસાગર જિલ્લા કલેક્ટર બાલાસિનોર ખાતે દોડી આવ્યા હતા. તેમણે અધિકારીઓ સાથે વિવિધ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીઓ ઉપરાંત કાલુપુર વિસ્તાર, રાજપૂરી દરવાજા, વિજય ટોકિઝ પ્લોટ, બાજપાઇ પમ્પિંગ સ્ટેશન વગેરે વિસ્તારની રૂબરૂ મુલાકાત લઇને રોગચાળાને કાબૂમાં લેવા સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટરે વિગતો આપતા જણાવ્યું હતું કે, બાલાસિનોરની પાણીની પાઇપલાઇન લગભગ ૭૦ વર્ષ જૂની છે. તેની પાસે જ ડ્રેનેજની લાઇનો પણ છે. પાણીની લાઇન ખવાઇ જતા દૂષિત પાણી તેમાં ભળી રહ્યાં છે. હાલ આરોગ્ય સહિતના વિભાગોની બાવન ટીમ સર્વે કરી રહી છે. જેમાં જિલ્લાકક્ષાએથી પણ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. લોકોને પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો, તે બાબતે સમજાવવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પીવાના પાણી માટે ટેન્કર શરૂ કરાયા છે. રોગચાળો ઝડપથી કાબૂમાં આવે તેવા સઘન પ્રયાસો ચાલી રહ્યા છે.


