Rajkot Accident: રાજકોટના જસદણ તાલુકાના કમળાપુર ગામ નજીક આજે (21મી જાન્યુઆરી) એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક સાથે અથડાયા બાદ ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક પણ રોડ પર પલટી ખાઈ ગયો હતો.
કેવી રીતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, કમળાપુર રોડ પરથી પસાર થઈ રહેલા બે યુવકો બાઈક પર જઈ રહ્યા હતા, આ દરમિયાન સામેથી આવતા ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બંને યુવકો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી.
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસથી લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા જ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પલટી ગયેલા ટ્રકને ખસેડીને હળવો કરાવ્યો હતો.
પોલીસે બંને યુવકોના મૃતદેહોને કબજે કરી પંચનામું કર્યાં બાદ પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. બે યુવકોના અકાળે અવસાનથી તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.


